બે સબ પોસ્ટ માસ્તરને સસ્પેન્ડ કરાયા : કૌભાંડનો આંક રૂ. ૮.૨૫ કરોડ હોવાનો અંદાજ
ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસના કૌભાંડમાં ગેરરીતિનો આંક વધીને રૂ. ૮.૨૫ કરોડ થાય તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે. વધુમાં આ કૌભાંડે વધુ બે વિકેટ પડી છે. જેમાં બે સબ પોસ્ટ માસ્તરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભુજ શહેરની રાવલવાડી પોસ્ટ ઓફિસમાંં લાંબા સમયથી ચાલતા નાણાકીય કૌભાંડમાં ટપાલ વિભાગના એજન્ટ અને કર્મચારીઓ સંડોવાયેલા હોવાનું ખુદ પી.એમ.જી.એ કહ્યું હતું. આ પ્રકરણમાં અગાઉ એક સબ પોસ્ટ માસ્ટર બિપીનચંદ્ર આર. રાઠોડને સસ્પેન્ડ કરાયા છે તેવામાં વધુ બે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. પોસ્ટ ઓફિસના અન્ય સબ પોસ્ટ માસ્ટર વિનય દેવશંકર દવે અને બટુકભાઇ જીતેન્દ્રરાય વૈષ્ણવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હજુ પણ કેટલાક કર્મચારીઓ સામે કાર્યવાહીની લટકતી તલવાર છે. સવાલ એ છે કે પોસ્ટ ખાતું હવે કઈ રીતે કાર્યવાહી ચલાવે છે. અત્યાર સુધીમાં આ કૌભાંડથી પોસ્ટ વિભાગના ૩ કર્મચારીઓનો ભોગ લેવાયો છે. જો કે, મહિલા એજન્ટ કે, તેના પતિ સામે કોઇ પગલા ભરાયા નથી. મહિલા એજન્ટ હજુપણ ટપાલ વિભાગમાં આવ-જા કરે છે અને તાજેતરમાં ત્રણથી ચાર નવા ખાતા ખોલાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ટપાલ વિભાગ દ્વારા કરાતી તપાસમાં મહિલા એજન્ટના પતિની વિરૂધ્ધમાં ઠોસ પૂરાવા મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બોગસ રસીદ, એજન્ટ પતિ દ્વારા છેકછાક સાથે તેના હસ્તાક્ષર સહિતના પૂરાવા હાથ લાગ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. વધુમાં આ એજન્ટ પતિ પર જિલ્લાના એક રાજકીય અગ્રણીના ચાર હાથ હોવાથી દિલ્હીથી જ ફરિયાદ દાખલ થશે એવુ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ડેટા એન્ટ્રીમાં ચેડા કરી આચરાયું કૌભાંડ
ટપાલ વિભાગના આંતરિક સૂત્રોનું માનીએ તો પોસ્ટ ઓફિસના તમામ રેકર્ડ, ડેટાના પાસવર્ડ ડિવિઝનલ ઓફિસ પાસે જ હોય છે. મહિલા એજન્ટ પતિએ પાસવર્ડ મેળવી ડેટા, રેકર્ડ સાથે ચેડા કરીને આ ગફલાને સુનિયોજિત રીતે અંજામ આપ્યો હતો.પોસ્ટ ઓફિસના રેકર્ડ સાથે ચેડા કરી ૮.૨૫ કરોડ ઓળવી જઇ, ટૂંક સમયમાં માલેતુજાર બનેલા એજન્ટ પતિએ બેવરેજીસ પાછળ બે કરોડ તેમજ હમલા મંથલ પંથકમાં પવનચક્કીઓમાં પણ મોટાપાયે રોકાણ કર્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.