વધુ ૧૦ કેસ પોઝીટીવ: ૧૫૫ કેસ નોંધાયા, ૨૬ના મોત

સૌરાષ્ટ્રભરમાં ઠંડીનો પારો નીચે આવતા સિઝનલફલુ વધુ અસરકારક બની રહ્યો હોય તેમ એક જ દિવસમાં વધુ ૧૦ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જયારે ઉપલેટાના ૫૦ વર્ષીય પ્રૌઢાનો રિપોર્ટ આવે તે પહેલા મોત નિપજયું હતું. સિઝનમાં કુલ ૩૧૩ કેસ નોંધાયા છે. જયારે ૪૫ દર્દીઓના મોત નિપજયા છે.

ઠંડીનું પ્રમાણ વધતાની સાથે જ સૌરાષ્ટ્રભરમાં સ્વાઈનફલુનો કહેર વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ઉપલેટામાં રહેતા ૫૦ વર્ષીય પ્રૌઢાએ રિપોર્ટ આવે તે પહેલા દમ તોડયો હતો. જયારે રાજકોટમાં ત્રણ દર્દીઓએ રિપોર્ટ આવ્યા પહેલા દમ તોડતા લોકોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં ઉપલેટાના સમઢીયાળા  ગામના પ૦ વર્ષીય પ્રૌઢા, વાંકોનર તાલુકાના ૪૯ વર્ષીય મહીલા અને ગોંડલ રોડ પરના પ૦ વર્ષીય પ્રૌઢના રિપોર્ટ આવે તે પૂર્વે જ સ્વાઇનફલુ સારવાર દરમિયાન દમ તોડતા સ્વાઇનફલુનો કહેર લોકોમાં વધી રહ્યો છે.

વધુમાં જસદણના બેડલા ગામના વૃદ્ધનું સ્વાઈનફલુમાં મોત નિપજયું હતું અને રાજકોટમાં ૨૪ કલાકમાં વધુ ૧૦ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં મેટોડાના ૪૦ વર્ષીય આધેડ, જામકંડોરણાના રાયડી ગામના ૫૫ વર્ષીય પ્રૌઢ, રાજકોટ-માધાપર ચોકડી પાસે રહેતા ૬૯ વૃદ્ધ, ત્રંબા ગામના ૩૦ વર્ષીય યુવાન, રાજકોટ પુનિતનગર વિસ્તારના ૩૫ વર્ષીય મહિલા, મવડી પ્લોટના ૩૦ વર્ષીય યુવાન, કેશોદના ઓદરડા ગામના ૬૫ વર્ષીય વૃદ્ધ, જામનગરના ૪૭ વર્ષીય મહિલા અને બરોડાના ૪૨ વર્ષીય આધેડનો રીપોર્ટ પોઝીટીવ આવતા રાજકોટ શહેરની અલગ-અલગ હોસ્પિટલમાં સ્વાઈનફલુ સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.

સપ્ટેમ્બર માસથી શરૂ થયેલા સ્વાઈનફલુના સિલસિલામાં અત્યાર સુધી ૩૧૩ કેસ નોંધાયા છે. જેમાં ૪૪ દર્દીઓને સ્વાઈનફલુ ભરખી ગયાનું નોંધાયું છે. સપ્ટેમ્બર માસથી ડિસેમ્બર સુધી કુલ ૧૫૮ કેસ સ્વાઈનફલુમાં નોંધાયા હતા પરંતુ જાન્યુઆરી માસથી ઠંડીનું પ્રમાણ વધતાની સાથે જ ફકત ૩૮ દિવસમાં જ ૧૫૫ સ્વાઈનફલુ દર્દીઓના કેસ નોંધાયા છે અને ૨૬દર્દીઓના મોત નિપજયા છે. જયારે ભાવનગર જીલ્લામાં પણ સ્વાઈનફલુનો પ્રકોપ યથાવત રહ્યો છે. ભાવનગરના સર ટી હોસ્પિટલમાં જસદણના બેડલા ગામના ૭૦ વર્ષીય વૃદ્ધને સ્વાઈનફલુ ભરખી જતા ભાવનગર જીલ્લામાં મૃત્યુઆંક ૩૩ સુધી પહોંચી રહ્યો છે. જયારે એક જ દિવસમાં વધુ ૪ દર્દીઓના કેસ પોઝીટીવ આવતા કુલ ૨૭ પોઝીટીવ સહિત ૩૬ દર્દીઓ ભાવનગર જીલ્લામાં હાલ સ્વાઈનફલુ વોર્ડ હેઠળ સારવાર લઈ રહ્યા છે. જયારે રાજકોટ જીલ્લામાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે ત્યારે એક જ દિવસમાં ૧૦ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવતા કુલ ૧૫૫ કેસ નોંધાયા છે અને ૨૬ દર્દીઓના મોત નિપજયા છે. જયારે રાજકોટ શહેરની જુદી હોસ્પિટલમાં હજુ ૪૮ દર્દીઓ સ્વાઈનફલુ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.