- આગામી દિવસોમાં ડો.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, જૂનાગઢ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, ચિલ્ડ્રન યુનિ. અને ટીચર્સ યુનિ.માં કુલપતિની નિમણૂક કરાશે
રાજ્યમાં વધુ બે યુનિવર્સિટીઓમાં નવા કુલપતિની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. આગામી દિવસમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની છે ત્યારે ગણતરીના દિવસોમાં અન્ય બાકી રહેલી પાંચ યુનિવર્સિટીઓમાં પણ કુલપતિની નિમણૂકની જાહેરાત કરવાની તૈયારી પૂર્ણ કરાઈ છે.રાજ્યમાં કોમન એક્ટ લાગુ કર્યા પહેલા આઠથી વધારે યુનિવર્સિટીઓમાં કુલપતિની જગ્યા ખાલી હતી. કેટલીક યુનિવર્સિટીઓમાં નવા કુલપતિની નિયુક્તિ માટે સર્ચ કમિટીની રચના કરવામાં આવી હતી. જોકે, કોમન એક્ટ લાગુ થયા પછી સર્ચ કમિટીમાં પણ ફેરફાર કરવો પડે તેમ હોવાથી જૂની પ્રક્રિયા રદ કરીને નવેસરથી સર્ચ કમિટીની રચના કરવામાં આવતાં કુલપતિની નિમણૂકમાં ભારે વિલંબ થયો હતો.
શિક્ષણ વિભાગ દ્વારા આજે ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડો.મહેશ છાબરિયા કે જેઓ એલ.એમ. ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ છે તેમની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર યુનિ.માં છેલ્લા દોઢથી બે વર્ષથી કુલપતિની જગ્યા ખાલી પડી હતી. આ જ રીતે નોર્થ ગુજરાત યુનિ.ના કુલપતિ તરીકે સુરતની વીર નર્મદ યુનિ.ના ફિઝિક્સ વિભાગના હેડ પ્રો. કિશોરકુમાર પોરિયાની નિમણૂક કરવામાં આવી છે.
આગામી પાંચ વર્ષ અથવા તો 60 વર્ષ પૈકી જે પહેલા આવે તે પ્રકારે મુદત પૂરી ગણવામાં આવશે. સામાન્ય રીતે અત્યાર સુધી કુલપતિની મુદત ત્રણ વર્ષની હતી, પરંતુ કોમન એક્ટ લાગુ કર્યા પછી દરેક યુનિવર્સિટીમાં કુલપતિની મુદત પાંચ વર્ષની કરવામાં આવી છે. તાજેતરમાં કચ્છ યુનિ.માં મોહન પટેલ અને એસ.પી. યુનિ.માં નિરંજન પટેલની નિમણૂક કરાઈ હતી. આ સાથે જ કુલ ચાર યુનિ.માં કુલપતિની નિમણૂક કરવામાં આવી છે. આગામી દિવસોમાં ડો.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, જૂનાગઢ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિ. અને ટીચર્સ યુનિ.માં કુલપતિની નિમણૂક કરાશે.