અમરેલી પંથકમાં હાહાકાર મચાવનાર સોનુ ડાંગરની ગેંગ સામે સુધારેલા કાયદા હેઠળ કાર્યવાહી કરી હતી
અમરેલીમાં સૌરાષ્ટ્ર સૌપ્રથમ નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં અને અમરેલી પંથકમાં હાહાકાર મચાવનાર સોનુ ડાંગરની ગેંગ સામે સુધારેલા કાયદા હેઠળ કરેલી કાર્યવાહીમાં જેલ હવાલે રહેલા બે શખ્સોને હાઈકોર્ટે જામીન ઉપર છોડી મુકવાનુ હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ અમરેલી પંથકમાં હાહાકાર મચાવનાર અને સંગઠીત થઈ ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી સોનુ ડાંગરની ગેંગ દ્વારા બીલ્ડર અને જમીન મકાનના ધંધાર્થીઓને ધમકી આપી ખંડણી અને મીલ્કત પચાવી પાડતા હોવાનુ એસ.પી.નિર્લીપ્તયરાને ઘ્યાને આવતા જેમાં વીંછીયા શીવરાજ રામકુભાઈ, સોનુ ડાંગર, નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ ખુમાણ અને ગૌતમ નાજકુભાઈ ખુમાણ સહિતના ગેંગના સભ્યો સામે નવા સુધારેલા કાયદા અંતર્ગત ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા તમામ શખ્સોને રાજ્યની અલગ અલગ જેલોમાં ધકેલવામાં આવ્યા હતા.
આ મામલે હાઈકોર્ટમાં ગુજસીટોકના કાયદાની જોગવાઈઓને પડકારવામાં આવી હતી અને સરકાર દ્વારા સ્પેશ્યલ કોર્ટમાં સ્પેશ્યલ સરકારી વકીલની પણ નિમણુંક કરવામાં આવી હતી. આ કામે તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવતા શિવરાજ વિછીંયાએ દ્વારા સેશ.કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી. બાદ ગેંગના મુખ્ય સુત્રધાર શિવરાજ ઉર્ફે મુન્નો ઉર્ફે વિછીંયાએ હાઈકોર્ટે રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતા જે હુકમથી નારાજ થઈ સુપ્રિમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ શિવરાજ ઉર્ફે મુન્નાને જામીન મુકત કરવામાં આવ્યા હતા.
હાલ જેલહવાલે રહેલા ગૌતમ નાજકુભાઈ ખુમાણ અને નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ ખુમાણની સેશ.કોર્ટે રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતા જે હુકમ સામે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલમાં મુખ્ય સુત્રધાર શિવરાજ ઉર્ફે મુન્નાની જામીન આપવામાં આવ્યા તેમજ બન્ને શખ્સો છેલ્લા અઢી વર્ષથી જેલમાં હોય તેમજ સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ટાંકેલા ચુકાદાઓને ઘ્યાને લઈ હાઈકોર્ટે નરેન્દ્ર ખુમાણ અને નાજકુભાઈ ખુમાણને શરતોને આધીન જામીન મુકત કરવામાં આવ્યા છે. બચાવ પક્ષે હાઈકોર્ટના એડવોકેટ તરીકે આશીષભાઈ ડગલી, રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભાઈ સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી અને સાગરસિંહ પરમાર રોકાયા હતા.