સ્લમ વિસ્તારમાં કિલનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા : અગાઉ બન્ને પોલીસ ચોપડે ચડી ચુકયા છે
શહેરના ભાવનગર રોડ પર આવેલા ભારતનગરના મફતીયાપરા મેઈન રોડ પર અને ભારતનગર મેઈન રોડ પર ડીગ્રી વગર કલીનક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પેરોલ ફર્લો સ્કવોડે વધુ બે મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ શહેરના સ્લીમ વિસ્તારોમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો હોય તેમ શેરીએ અને ગલીએ કલીનીકો ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદને ઘ્યાને આવતા તેઓએ બોગસ તબીબોને શોધી કાઢવા આપેલી સુચનાને પગલે પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઈ. બી.ટી.ગોહીલ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.
ભાવનગર રોડ પર ભારતનગર મફતીયાપરા મેઈન રોડ પર સાંઈ કલીનીકના નામે મનોજ ધીરનાથ ઠાકુર અને ભવનાથ સોસાયટીમાં રહેતો અને ભારતનગર મેઈન રોડ પર સદ્ગુરૂ કલીનીક ચલાવતો નરેન્દ્ર ભાનુ જોટગીયા નામના શખ્સો ડીગ્રી વગર કલીનીક ચલાવતા હોવાની હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા અને સીરાજભાઈ ચાનીયાને મળેલી બાતમીના આધારે એએસઆઈ ફીરોઝભાઈ શેખ, કોન્સ્ટેબલ મયુરસિંહ પરમાર, અનીલસિંહ ગોહીલ, યોગેન્દ્રસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજા અને યુવરાજસિંહ રાણાએ દરોડો પાડી ઉપરોકત બન્ને શખ્સોની ધરપકડ કરી અલગ અલગ દવાઓ કબ્જે કરવામાં આવી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં ઝડપાયેલા બન્ને શખ્સો અગાઉ થોરાળા પોલીસના ચોપડે ચડી ચુકયા છે.