માંડાડુંગર પાસે વારસાઇની જમીન જેઠે બારોબારી વેંચી રોકડી કરી લીધાની નાનાભાઇની પત્નીની પોલીસમાં ફરીયાદ
અબતક, રાજકોટ
રાજકોટમાં ભુમાફીયાઓ બિલાડીના ટોપની માફક શેરી ગલ્લીએ ફુટી નીકળ્યા છે. ત્યારે હજુ ગઇકાલે કોઠારીયા સર્વે નંબરની સરકારી જમીનનું મસમોટુ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ આજે વધુ બે ખાનગી માલીકીની જમીન બારોબાર પચાવી પાડવા અંગે આજી ડેમ પોલીસ સ્ટેશન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટ્રર થતા પોલીસે જમીન કૌભા0કારીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના કાલાવાડ રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતી અને પ્રાઇવેટમાં નોકરી કરતી સ્વીટીબેન વિમલેશ કામલીયા (ઉ.વ.41) નામની યુવતિએ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પોતાના જેઠ શૈલેષ
વજેસંગ કામલીયાનું નામ આપ્યું છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી અને આરોપીની સંયુકત માલીકીની ભાવનગર રોડ માંડાડુંગરની ગોળાઇ પર આરતી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં સર્વે નં. 115 પૈકીની ર એકર અને ર8 ગુંઠા જમીન આવેલ છે જે જમીન વારસાઇમાં મળી હતી.
ભાવનગર રોડ પર જમીનના ભાવ વધી જતાં આરોપી શૈલેષ કામલીયાએ નાનાભાઇની પત્ની અને અન્ય વારસદારોની જાણ બહાર એકલા જમીન પચાવી પાડી અલગ અલગ વ્યકિતઓને વેચાણ કરી આર્થીક લાભ મેળવી વારસદારો સાથે ઠગાઇ છેતરપીંડી કરી હોવાનું જણાવ્યું છે.
આ બનાવ અંગે કલેકટર સમક્ષ અરજી કરતાં તાજેતરમાં મળેલી બેઠકમાં અરજી અંગે તપાસ કરી આજીડેમ પોલીસને ગુનો દાખલ કરી તપાસ કરવા હુકમ કરતા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ એ.સી.પી. એચ.એલ. રાઠોડ ચલાવી રહ્યા છે.
બીજી ઘટના
ગાંધીનગર સેકટર નં. 19માં રહેતા નિવૃત અધિકારી હરેશ મુળુભાઇ રાઠોડ (ઉ.વ.60) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે માધાપર ગામના સંજય જીવણ ગમારાનું નામ આપ્યું છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદીએ 2017માં માધાપર ગામ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં સર્વે નં. 35/3 અને 36/1 પ્લોટ નં. 19 રોકાણ કરવા લીધો હતો. જે 433.96 ચોરસમીટરના કરોડોની કિંમતના પ્લોટ પર આરોપીએ ગેરકાયદેસર કબ્જો કરી બે દુકાનો બનાવી નાખી હતી. તેમજ યુએલસીની ફાજલ થયેલ સરકારી જમીનમાં કમ્પાઉન્ડ બનાવી કબ્જો કરી લીધો હતો.
મરણમુડી સમાન કિંમતી પ્લોટમાં ભરવડા શખ્સે કબ્જો કરી દુકાનો બનાવી નાખ્યાની જાણ થતાં ફરીયાદીએ પોતાની જમીન ખાલી કરવા જણાવતા આરોપીએ ગાળો દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ એ.સી.પી. પી.કે. દિયોરા સહીતના સ્ટાફે ગણતરીના કલાકોમાં જ માધાપર ગામે રહેતા જમીન કૌભાંડકાર સંજયભાઇ જીવણ ગમારાની ધરપકડ કરી રીમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.
માધાપર ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં પ્રાઇવેટ અને સરકારી જમીન પર ભરવાડ શખ્સે કબ્જો કરી દુકાનો બનાવી વંડો વાળી લીધો:આરોપીની ધરપકડ