મંજુરી ન મળવા છતાં પાટીદાર સમાજની ક્રાંતિ રેલી કાઢતા હાર્દિક સહિત ૫૦થી વધુ બાઈક ચાલકો વિરુઘ્ધ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ
પાટીદાર નેતા હાર્દિક પટેલનો દાવ પુરો થયો હોય તેમ એક જ ગુના માટે હાર્દિક વિરુઘ્ધ બે ફરિયાદ નોંધાઈ છે. ધુમા ગામમાંથી પાટીદાર સમાજની ક્રાંતિ રેલી સરઘસની મંજુરી મળી ન હતી. તેમ છતાં હાર્દિક પટેલ અને પાસના કાર્યકરોએ બાઈકો સાથે રેલી કાઢી હતી. જેથી હાર્દિક અને તેના ૫૦ થી વધુ સાથીઓ વિરુઘ્ધ અસલાલીના સર્કલ ઓફિસરે ભોપાલ પોલીસ સ્ટેશનમાં કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો નોંધાવ્યો હતો.
આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચમાં પણ હાર્દિકે નિકોલમાં પોલીસના જાહેરનામાનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જણાવી દઈએ કે, ધુમા ગામમાં રહેતા પાસના રાજુભાઈ પટેલ અને રાણીપ વાડીગામમાં રહેતા સુરેશ પટેલે ૧૧ ડિસેમ્બરે પાટીદાર સમાજની ક્રાંતિ રેલી માટે અમદાવાદ કલેકટર કચેરીમાં મંજુરી માંગી હતી. પરંતુ મંજુરી અપાઈ ન હતી. તેમ છતા બંને અરજદારો હાર્દિક પટેલ અને ૫૦થી વધુ બાઈક ચાલકોએ રેલી કાઢી હતી.
અમદાવાદ જીલ્લાના ડીએસપી આર.વી.અંસારીએ આ અંગે જણાવ્યું કે, અસલાલી ડિવિઝનના સર્કલ ઓફિસર રામુભાઈ મકવાણાની ફરિયાદના આધારે પોલીસે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.