મોટર સાયકલ ચોરી અંગે પૂછપરછ માટે બોલાવાયેલા બંને સગીરોએ મોડી રાત્રે કોમ્પ્યૂટર રૂમમાં કેબલનો ફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લીધાના બનાવમાં ફોજદાર, જમાદાર અને પોલીસમેનને તાકીદે સસ્પેન્ડ કરી દેવાયાં
નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરીના બનાવની તપાસ માટે શંકાના આધારે પોલીસ મથકમાં રાખવામાં આવેલા બે તરૂણ યુવકોએ મોડી રાત્રે પોલીસ મથકના કોમ્પ્યૂટર રૂમમાં કેબલથી ગળે ફાંસો ખાઇ લઇ જીવાદોરી ટૂંકાવી દેવાના બનાવથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો અને પરિવારજનોના ઉગ્ર વિરોધ અને તપાસની માંગને લઇને જિલ્લા પોલીસ અધિકારીએ ફોજદાર, જમાદાર અને કોન્સ્ટેબલને કસૂરવાર ગણી તાત્કાલીક સસ્પેન્ડ કરી દેવાતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં નોંધાયેલા મોટર સાયકલ ચોરીના બે બનાવોની તપાસ દરમિયાન શંકાના આધારે પોલીસે 19 વર્ષના બે આદિવાસી યુવકો રવિ જાદવ, અને સુનિલ પવારને પૂછપરછ માટે પોલીસ મથકે બોલવ્યા હતા. તપાસ ચાલતી હોવાથી વિધીવત ફરિયાદ નોંધાઇ ન હતી અને બંનેને ધરપકડ કર્યા વગર પોલીસ મથકમાં રાખવમાં આવ્યા હતાં. ડાંગના વઘેઇના ખેત મજૂર પરિવારના બંને યુવકોને પોલીસ ચોકીના કોમ્પ્યૂટર રૂમમાં રાખવામાં આવ્યા હતાં. વહેલી સવારે જ્યારે સફાઇ કર્મચારીએ કોમ્પ્યૂટર રૂમનો દરવાજો ખૂલ્યો ત્યારે રવિ અને સુનિલના કોમ્પ્યૂટર કેબલ દ્વારા લટકેલા મૃતદેહો નજરે પડ્યા હતાં.
ચીખલી પોલીસ મથકમાં નોંધાયેલી મોટર સાયકલ ચોરીની ફરિયાદોની તપાસમાં બંને યુવકો પાસેથી બે મોટર સાયકલ કબ્જે કરવામાં આવી છે પરંતુ ડીટેક્શન એકનું જ થયું હતું તેથી બીજી મોટર સાયકલની તપાસ ચાલી હતી. પોલીસે બંને મોટર સાયકલ ચોરીની એક સાથે તપાસ ચાલુ કરી હતી અને બંનેને પોલીસ મથકે બોલાવ્યા હતાં.
નવસારીના ડી.વાય.એસ.પી. એસ.જી. રાણાએ સમગ્ર પ્રકરણની તપાસ હાથધરી છે. બંનેની વિધીવત ધરપકડ કર્યા વગર તપાસ માટે પોલીસ મથકે બોલાવાયા હતા તેમને લોકઅપમાં બંધ કર્યા વગર પોલીસ મથકના કોમ્પ્યૂટર રૂમમાં રાખવામાં આવ્યા હતા. બંને શંકાસ્પદ યુવાનો અગાઉ કોઇપણ ગુન્હા સંડોવાયેલા ન હોવાનું બહાર આવ્યું છે. વહેલી સવારે 5 વાગ્યા સુધી બંને યુવાનો સલામત હતા પરંતુ સવારે 8 વાગ્યે જ્યારે સફાઇ કામદાર સફાઇ માટે કોમ્પ્યૂટર રૂમમાં ગયા ત્યારે બંનેને લટકતાં દેખાયા હતાં.
ઘટનાને પગલે એસ.પી. અને ડેપ્યૂટી કલેક્ટરે ઘટનાસ્થળે જઇને તપાસનો દોર સંભાળી લીધો હતો. આ બનાવને પગલે ગણદેવી અને વણસણાના ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને પરિવારજનોએ પોલીસ સ્ટેશનએ પહોંચીને જવાબદાર કર્મચારીઓને તાત્કાલીક બરતરફ કરવાની માંગ કરી હતી અને યુવાનોનો આપઘાતના બનાવને શંકાસ્પદ ગણાવ્યો છે.
જિલ્લા એસ.પી. તાત્કાલીક ધોરણે આ બનાવ અંગે કસૂરવાર મનાતાં પી.એસ.આઇ. એમ.બી. કોંકણી, એ.એસ.આઇ. શક્તિસિંહ, સુખદેવસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ રામજી દયાપ્રસાદ યાદવને તાકિદની અસરથી બરતરફ કર્યા હતાં. આ બનાવ અંગે એ.એસ.આઇ. મંગીબેન પટેલએ જાણવા જોગ નોંધ કરી તપાસ હાથધરી છે. ત્રણેય પોલીસ કર્મચારીઓના સસ્પેન્સન બાદ પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કરીને વતનમાં અગ્નિસંસ્કાર કર્યા છે.