કંપનીની બોટલો ભંગારમાંથી લઈ તેમાં હલકી ગુણવત્તાનું શેમ્પુ ભરી ગામડાઓમાં વેચાણ કરતા : એ ડિવિઝન પોલીસે 762 બોટલો કબજે કરી
રાજકોટની ન્યુ દરજી બજારમાં સ્થિત ભીડભંજન કપડા માર્કેટમાં આવેલી વાઈટ-વે હોટલમાં નામી કંપનીના જુદી-જુદી બ્રાન્ડના નકલી શેમ્પુ બનાવતા ઉતરપ્રદેશના આગ્રાના ઈસરાલખાન વાહસીકઅલી તૈલી અને હાથરસના હૈદરઅલી સમસુદીન તૈલીને એ-ડિવીઝન પોલીસે રૂા.50743ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
જે કંપનીના બંને આરોપીઓ નકલી શેમ્પુ બનાવતા હતા તેના સીનીયર ઈન્વેસ્ટીગેટરને આ અંગે માહિતી મળતા એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ એ-ડિવીઝન પોલીસને સાથે રાખી વાઈટ-વે હોટલના રૂમ નં.105માં દરોડો પાડતા ત્યાંથી બંને આરોપીઓ જુદી-જુદી બ્રાન્ડની શેમ્પુની બોટલમાં હલકી ગુણવતાનું શેમ્પુ પેક કરતા મળી આવ્યા હતા. હોટલના રૂમમાંથી પોલીસે જુદી જુદી શેમ્પુની બ્રાન્ડની નાની-મોટી 250 ખાલી બોટલો, શેમ્પુની 1 લીટર, 800 એમએલ, 650 એમએ અને 580 એમએલની થોકબંધ બોટલો, 500 ગ્રામ પાવડરની પ્લાસ્ટિકની થેલીઓ, મીઠાની થેલીઓ, કલરના પાઉચ, હિટીંગ મશીન, 4 કેમીકલ ભરેલા ડ્રમ મળી રૂ.50 હજારનો મુદ્દામાલ કબજે કર્યા હતા.
આરોપીઓએ હોટલમાં રૂમ નં.105,103 અને 102 ભાડે રાખી ત્યાં કારસ્તાન કરતા હતા.બંને આરોપીઓ વિરૂધ્ધ પોલીસે કોપીરાઈટ એકટ અને છેતરપીંડીની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓ છેલ્લા 20 દિવસથી હોટલમાં નકલી શેમ્પુની બોટલો પેક કરતા હતા. આ બોટલો દિલ્હી સહિતના સ્થળોએથી ભંગારમાં લઈ આવતા હતા.
ત્યારબાદ તેમાં હલકી ગુણવતાનું શેમ્પુ પેક કરી ખાસ કરી તેને ગામડાઓમાં સસ્તા ભાવે વેચતા હતા.જોકે હોટલના સ્ટાફને બંને આરોપીઓ સેલ્સમેન હોવાની જાણ હતી. નકલી શેમ્પુની બોટલો ભરતા હોવાની જાણ ન હતી તેમ પોલીસનું કહેવું છે.બંને આરોપીઓ હલકી ગુણવતાનું શેમ્પુ કયાંથી લઈ આવતા હતા, કેટલા ટાઈમથી ડૂપ્લીકેશન કરે છે તે સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.
પીઆઇ કે.એન. ભુકણની રાહબરીમાં પીએસઆઇ જી.એન. વાઘેલા, જયરાજસિંહ કોટીલા, હરપાલસિંહ જાડેજા સહિતે આ દરોડો પાડ્યો હતો. હાલ પી.એસ.આઇ. કે. એચ. રાવલ વધુ તપાસ કરે છે.