- રાજકોટ એલસીબી ઝોન-2 અને બી ડિવિઝન પોલીસની રેઇડમાં 7.50 ગ્રામ મેફેડ્રોન ઝડપાયો
રાજકોટનાં યુવાધનને બરબાદ કરવા માટે શહેરમાં ઠેર- ઠેર ડ્રગ્સનાં કારોબાર થતો હોવાનું અવરનાર સામે આવી ચૂક્યું છે. જોકે, પોલીસ દ્વારા ડ્રગ્સનાં કાળા કારોબારને રોકવા માટે સતત વોચ રાખવામાં આવી રહી છે ત્યારે આજે વધુ એકવાર પોલીસે ડ્રગ્સનાં કારોબારનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને બી-ડિવિઝન પોલીસે 7.50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે વધુ બે શખસોને દબોચી લીધા છે અને બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસનાં જણાવ્યા મુજબ શાહરૂખ જામ અને રાહુલ ગોસાઈ નામના શખસો ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે બી-ડિવિઝન પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન કુવાડવા રોડ જુના જકાતનાકા નજીકથી શાહરુખ બસીરભાઈ જામ અને રાહુલ દિપકભાઈ ગોસાઈ નામના બે શંકાસ્પદ શખસોને અટકાવવામાં આવ્યા હતા. આ બંનેની તલાશી લેતા તેની પાસેથી 7.50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
જેને પગલે પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી લઈ તેની પાસેથી 7.50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 3 મોબાઈલ ફોન અને રૂ. 6,100ની રોકડ સહિત કુલ રૂ. 1,01,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બી-ડિવિઝન પોલીસે બંનેની સામે નાર્કોટિક્સની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પૈકી રાહુલ દિપકભાઈ ગોસાઈ વિરુદ્ધ અગાઉ કચ્છનાં સામખીયાળી પોલીસ મથકમાં પ્રોહીબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલમાં બંને આરોપીઓ આ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લઈ આવ્યા હતા અને કોને આપવાના હતા? તે સહિતના મુદ્દે તપાસ કરવા આરોપીઓનાં રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે.