- સવારે દાદીની અંતિમ વિધિ કરીને આવેલા પરિવારમાં સાંજે પૌત્રએ પણ અનંતની વાટ પકડી
- રાજકોટમાં એક પણ ઝેરી મેલેરિયાનો કેસ ન હોવાથી આરોગ્ય શાખામાં દોડધામ: જંગલેશ્વરમાં સઘન ચેકીંગ
જન્મ અને મરણ પોતાની ઈચ્છાને આધીન નથી. મોત ક્યારે અને કેવા સંજોગોમાં આવે તે પણ કહેવું મુશ્કેલ છે. જંગલેશ્વરનો પરિવાર વૃદ્ધાની અંતિમ ક્રિયા પૂરી કરી તે દરમિયાન જ માસુમ પૌત્રને પણ મેલેરિયા ભરખી જતા માત્ર 12 કલાકમાં જ એક જ પરિવારની બે વ્યક્તિઓ એ જીવ ગુમાવતા પરિવારમાં કરુણાંતિકા સાથે અરેરાટી મચી જવા પામી છે.
તો બીજી તરફ ઝેરી મેલેરીયા એક જ પરિવારમાંથી બે વ્યક્તિઓનો ભોગ લેતા કોર્પોરેશનની આરોગ્ય શાખામાં પણ દોડધામ મચી ગયો છે મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ તુરંત જ જંગલેશ્વર પહોંચી સઘન ચેકિંગ હાથધર્યું હતું અને વધુ એક ટીમે હોસ્પિટલ ખાતે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્વર-1માં રહેતાં ઉષાબેન નટવરલાલ પીઠડીયા (ઉ.વ.67) નામના સુતાર વૃધ્ધાને કેટલાક દિવસથી તાવ જેવું હોઇ તેમને ગયા શનિવારે ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. મેલેરીયાની અસર હોવાનું નિદાન થયા બાદ સારવાર ચાલુ હતી. પરંતુ ગઇકાલે સવારે તેમણે અંતિમશ્વાસ લઇ લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. દરજી પરિવારના સભ્યોએ સવારે ઉષાબેનની અંતિમવિધી પૂર્ણ કરી હતી અને માંડ સાંજ પડી હતી ત્યાં ઉષાબેનના પૌત્ર દ્વારકેશ ધર્મેશભાઇ પીઠડીયા (ઉ.વ.9)ની તબિયત બગડતાં બેભાન જેવો થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું પણ ટુંકી સારવારને અંતે મોત નિપજતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.
પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત મુજબ દ્વારકેશ બે ભાઇમાં મોટો હતો અને ધોરણ-4માં અભ્યાસ કરતો હતો. તેના મમ્મીનું નામ જયશ્રીબેન છે. પિતા ધર્મેશભાઇ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ધર્મેશભાઇએ જણાવ્યું હતું કે, “હજુ તો ગઇકાલે સવારે જ મેં માતાની અંતિમવિધી નિપટાવી હતી ત્યાં સાંજે મારા લાડકવાયા એવા કંધોતરને જ મારે કાંધ દેવાની વેળા આવી પડી હતી. દ્વારકેશને બે ત્રણ દિવસથી તાવ આવતો હોવાથી દવા લીધી હતી. એ પછી તેણે હાથ-પગ દુ:ખતા હોવાની ફરિયાદ કરી હતી અને ગત સાંજે અચાનક જ તેની તબિયત બગડતાં અમે હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ તેનો જીવ બચી શક્યો નહોતો.જંગલેશ્વરના પીઠડીયા પરિવારના આંગણેથી સવારે દાદીમાની અને સાંજે પોત્રની અંતિમયાત્રા નીકળતાં વિસ્તારમાં અને સ્વજનોના કર્ણાટક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ અંગે મહાનગર પાલિકાના અધિકારીઓને જન થતા તુરંત આરોગ્ય શાખાની ટીમો કામે લાગી હતી. રાજકોટ શહેરમાં એક પણ ઝેરી મેલેરિયાનો કેસ ન હોય અને તેમાં પણ જંગલેશ્વરમાંથી એક જ પરિવારમાંથી બે સભ્યોને મેલેરિયા ભરખી જતાં મનપાએ ચેકીંગ હાથધરી આસપાસના લોકોના લોહીના નમૂનાઓ લઈને તપાસ હાથધરી છે. આ સાથે પરિવાર કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે કે કેમ તે અંગે પણ તપાસ હાથધરી છે.