- ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ સગીરે સાત જયારે દિનેશ મુવેલે ત્રણ ચોરીની કબૂલાત આપી : કુલ રૂ. 88,715નો મુદ્દામાલ કબ્જે
- રાજકોટમાં નોંધાયેલા ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવાની સુચના અન્વયે ડીસીબીની ટીમે એમપીના સગીર સહીત બે શખ્સોને ઝડપી લઇ રાજકોટ, જેતપુર, જુનાગઢ અને અમરેલી પંથકમાં થયેલી દસ ચોરીના ભેદ ઉકેલી નાખી 88,715 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે.
રાજકોટમાં વણ શોધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવા ડીસીબી પીઆઈ એમ આર ગોંડલીયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફ્ના ગોપાલભાઈ અને દીપકભાઈને મળેલી બાતમી આધારે બે શખ્સોને બાઈક સાથે અટકાવી ઈ ગુજકોપમાં ચેક કરતા આ બાઈક ચોરીનું હોવાનું જાણવા મળતા પોલીસે બંનેને સકંજામાં લઈ નામઠામ પૂછતાં એક સગીર અને બીજો એમપીના અલીરાજપુર જીલ્લાના પૌયા ગામનો દિનેશ ભુવનસિંગ મુવેલ ઉ.21 હોવાનું જણાવતા બંનેની આગવી ઢબે પૂછતાછ કરતા બંને ભાંગી પડયા હતા અને ટોળકી સાથે આચરેલા ગુનાઓની કબૂલાત આપી હતી.
બંને તસ્કરોએ જણાવ્યું હતું કે, પોતે એમપીના જ બળવંતસિંગ ગુલાબસિંગ બંધેલ, સુનીલ રવજીભાઈ મોહનીયા અને જીતેન શંકર મેહડા સાથે મળી એક મહિના પૂર્વે રાજકોટની માધવ વાટિકા સોસાયટીમાં, તિરૂમાલા પાર્કમાં બંધ મકાનમાં, ભગવતીપરામાં ત્રણ મકાનના તાળા તોડી, તેમજ સુખસાગર સોસાયટીમાં મકાનના તાળા તોડી રોકડ-દાગીનાની ચોરી કર્યાની, નવ દિવસ પૂર્વે સાવરકુંડલામાં 3 મકાનોના તાળા તોડી ચોરી કર્યાની, ત્યારે જ એક બાઈકની ચોરી કર્યાની, જેતપુરમાં બે મકાનમાં ચોરી કર્યાની, જુનાગઢના વંથલીમાં બે મકાનમાં ચોરી કર્યાની અને જેતપુરના સમઢીયાળા ખાતે એક મકાનમાંથી તેમજ માધવ વાટિકા સોસાયટીમાંથી એક બાઈકની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે રોકડા 44 હજાર, બાઈક, ચાંદીના દાગીના અને ચોરીમાં ઉપયોગમાં લીધેલ સાધન સહીત 88,715 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે.પોલીસની વધુ પુછતાછમાં પોતે વતનથી ગુજરાતમાં કોઇ પણ શહેર નક્કી કરી ત્યાં પહોચી પ્રથમ બાઈકની ચોરી કરતા અને તે પછી ગામ કે સોસાયટીમાં બંધ મકાનના તાળા તોડી ચોરી કરી આજુબાજુમાં રહેતા વતનના સંબંધીઓના ઘરે રોકાઈ જતા હતા અને બાઈક રેઢું ગમે ત્યાં મૂકી દેતા હોવાની કબૂલાત આપી હતી.પોલીસે ચોરાઉ બાઇક સાથે મધ્યપ્રદેશના પૌયા ગામે રહેતો દિનેશ મુવેલ અને એક બાળ આરોપીની અટકાયત કરી તેની તલાશી લેતા તેની પાસેથી ચાંદીના દાગીના, કટર સહિતની મતા મળી આવી હતી. તેને આજી ડેમ ચોકડી પાસે માધવ વાટિકા સોસાયટી, તેમજ તિરુમાલા પાર્કમાં બંધ મકાન તેમજ આજી ડેમ પાસેથી બાઇક ઉઠાવી બિનવારસી મૂકી દીધું હતું ત્યાર બાદ ભગવતીપરા પાસેના અયોધ્યા પાર્ક, સુખસાગર સોસાયટીમાં બંધ મકાનમાં રોકડ અને દાગીનાની ચોરી કરી હતી. સાવરકુંડલા, જૂનાગઢ, વંથલી અને જેતપુરના સમઢિયાળા ગામે મકાનમાં ચોરી કર્યાની તેમજ તેની સાથે વધુ એમપી તસ્કર ટોળકીના અને મૂળ મધ્યપ્રદેશના બળવંત બંધેલ, સુનિલ મોહનિયા અને જીતેન મેહડા હોવાની કબૂલાત આપી હતી.