પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના શરણાર્થીઓ બાબતે ધમાસણ જોવા મળી રહ્યું છે. તાજેતરમાં ૧૦ લાખથી વધુ અફઘાનીઓને પાકિસ્તાને હાંકી કાઢયા જેના પ્રત્યાઘાતમાં બે મોટા આતંકી હુમલાઓ થયા છે. બે દિવસમાં જ બે હુમલાઓ થતા સરકાર પણ હચમચી ગઈ છે.

બ્લુચિસ્તાન પ્રાંતમાં ગઈકાલે સેનાની બે ગાડીને નિશાન બનાવી હુમલો કરાતા 14 સૈનિકોના મોત, આજે એરફોર્સ બેઝમાં હથિયારોથી સજ્જ આતંકીઓનો હુમલો

પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં શુક્રવારે આતંકવાદીઓએ સુરક્ષાદળોના બે વાહનો પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 14 સૈનિકોના મોત થયા હતા.બલૂચિસ્તાનમાં શુક્રવારે થયેલો આતંકવાદી હુમલો આ વર્ષનો સૌથી ભયાનક હુમલો માનવામાં આવે છે, જેમાં સૌથી વધુ સંખ્યામાં સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાના જવાનો માર્યા ગયા છે.  પાકિસ્તાની સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આતંકવાદીઓએ આ હુમલો ત્યારે કર્યો જ્યારે સૈનિકોના બે વાહનો ગ્વાદર જિલ્લાના પસનીથી ઓરમારા વિસ્તારમાં જઈ રહ્યા હતા.

બીજી તરફ આજે પંજાબના મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત છ ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘુસ્યા હતા.   અત્યાર સુધીમાં 3 હુમલાખોર માર્યા ગયા છે.  તહરીક-એ-જેહાદ નામના સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે. જ્યારે બાકીના 3 આતંકીઓને સૈનિકોએ ઘેરી લીધા છે. તહરીક-એ-જેહાદ પાકિસ્તાનના પ્રવક્તા મુલ્લા મુહમ્મદ કાસિમે મિયાંવાલી એરબેઝ પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને દાવો કર્યો હતો કે ઘણા આત્મઘાતી હુમલાખોરો પણ સામેલ હતા.  સ્થાનિક રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર વિડિયો ફૂટેજ પોસ્ટ કરીને હુમલાની પુષ્ટિ કરી છે.  આતંકવાદી જૂથે એવો પણ દાવો કર્યો છે કે તેણે બેઝ પર હાજર એક ટેન્કને નષ્ટ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.