હિતેશ રાવલ, સાબરકાંઠા:
આજના 21મી સદીના આધુનિક યુગમાં અવનવી સુવિધાઓ વિકસતા માનવ જીવન સરળ બન્યું છે પણ આ સાથે ડ્રોન જેવ ફલાઇંગ ઓબ્જેક્ટનો ઉપયોગ વધતાં સુરક્ષાના પ્રશ્નો પણ ઊભા થયા છે. જેના કારણસર સંવેદનશીલ વિસ્તારોમાં તમામ પ્રકારના ફ્લાઇંગ ઓબ્જેક્ટ પર પાબંદી મૂકવામાં આવી રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સ્થિત સાબરડેરીની આસપાસના બે કિલોમીટરના વિસ્તારને “નો ડ્રોન ઝોન” જાહેર કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં આવેલ વાઈટલ ઇન્સ્ટોલેશન, વી.વી.આઇ.પી રહેણાંક તેમજ અગત્યની સરકારી કચેરીઓ તથા અન્ય પ્રતિબંધિત વિસ્તાર વગેરે જગ્યાઓની સુરક્ષા કરવાની જવાબદારી સાબરકાંઠા પોલીસની છે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર હિતેષ કોયા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ સાબરડેરીની વાઈટલ ઇન્સ્ટોલેશનની “સી” કેટેગરીમાં સમાવેશ થતો હોય સાબરડેરીની સુરક્ષા સુનિશ્ચિત કરવા કરવી જરૂરી જણાય છે. આથી UAV ( Unnamed Aeril Vehicle)જેમાં રિમોટ કંટ્રોલ સંચાલિત કૅમેરા લગાડેલા ડ્રોન અથવા એરિયલ મિસાઈલ, હેલિકોપ્ટર, રિમોટ કંટ્રોલ, માઇક્રોલાઇટ, એરક્રાફ્ટ કે પેરાગ્લાઇડર જેવા સંસાધનો પર રોક લગાવવામાં આવી છે.
આવા સંસાધનોથી દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડીયા તત્વો ગેરલાભ લઇ સાબરડેરીને હાનિ પહોંચાડવાની શક્યતા નકારી શકાય નહીં. તાજેતરમાં બનેલા ડ્રોન અટેકના બનાવો જોતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ સાબરડેરીની આજુ બાજુની તમામ દિશાઓમાં બે કિલોમીટર સુધીના એરિયાને “નો ડ્રોન ઝોન” જાહેર કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યંકિત ભારતીય દંડ સહિતાની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.