એટીએસની ટીમે સલાયા અને માંડવીના શખ્સોને ઝડપી પૂછપરછ કરતા ચારેક માસ પહેલાં પાકિસ્તાનથી ૧૦૦ કિલો હેરોઇન મગાવી ૯૫ કિલો વેચી નાખ્યાની સ્ફોટક કબુલાત
સૌરાષ્ટ્રનો દરિયો આંતકવાદીઓની ઘુષણખોરી અને દાણચોરી માટે રેઢુ પડ હોય તેમ ચારેક માસ પહેલાં પાકિસ્તાનથી ૧૦૦ કિલો હેરોઇન ઘુષાડવામાં આવ્યાનું બહાર આવ્યું છે. એટીએસની ટીમે રૂ.૧૫ કરોડની કિંમતના પાંચ કિલો હેરોઇન સાથે સલાયા અને માંડવીના શખ્સોની ધરપકડ કરી આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નેટવર્કના મુળ સુધી પહોચવા બંનેની પૂછપરછ હાથધરી છે.
આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ સલાયાના અઝીઝ અબ્દુલ ભગાડ નામના શખ્સ પાસે શુધ્ધ હેરોઇનનો જથ્થો હોવાની બાતમીના આધારે એટીએસના અધિકારી હિમાન્શુ શુકલ સહિતની ટીમે રૂ.૧૫ કરોડની કિંમતના પાંચ કિલો હેરોઇન સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન માંડવીના આરિફ આગમ સુમરા નામના શખ્સે ચારેક માસ પહેલાં પાકિસ્તાનથી ૧૦૦ કિલો હેરોઇન મગાવ્યાની કબુલાત આપી હતી.
એટીએસની ટીમે કચ્છના માંડવી ખાતે રહેતા આરિફ આગમ સુમરા નામના શખ્સને ઝડપી લેતા તેને પાકિસ્તાનથી ૧૦૦ કિલો હેરોઇન મગાવી સલાયાના અઝીઝ અબ્દુલ ભગાડની મદદથી નાની બોટમાં દરિયા કિનારે લાવી દેશના ઉત્તરના રાજયમાં ૯૫ કિલો વેચી નાખ્યાની કબુલાત આપી છે.
એટીએસની ટીમ દ્વારા ઉત્તરના રાજયોમાં હેરોઇન અંગે જાણ કરવામાં આવતા પોલીસે હેરોઇનનો જથ્થો ઝડપી લેવા સઘન તપાસ હાથધરી છે.
તાજેતરમાં જ મીઠાપુર નજીકથી કેમિકલની મદદથી ડ્રગ્સ બનાવવાનું રેકેટ ઝડપાયું હતુ અને પોરબંદર દરિયામાંથી ૩૫૦૦ કિલો નશીલા પદાર્થનો જંગી જથ્થો ઝડપાયા બાદ પાકિસ્તાનથી મોકલાયેલા હેરોઇન અંગે પદાફાર્સ થતા સનસનાટી મચી ગઇ છે.
સૌરાષ્ટ્રના દરિયાઇ માર્ગે ચાલતી આંતકવાદી પ્રવૃતિ અને નશીલા પદાર્થ ઘુસાડવાની ઘટનાથી પોલીસતંત્ર ચોકી ઉઠયું છે. અને કોસ્ટલ એરિયાની સુરક્ષા વધુ સઘન બનાવવા અને શંકાસ્પદ શખ્સોની હીલચાલ પર ચાપ્તી નજર રાખવા આદેશ અપાયા છે.