ચોરવાડના જુજારપુરનો એમ.આર. યુવક અમદાવાદ થી સામાન ભરીને આવી રહ્યો હતો ત્યારે મોડી રાત્રે સર્જાયો અકસ્માત: માતા-પુત્રી સહિત ત્રણ ઘાયલ
બામણબોર બાઉન્ડ્રી નજીક બંસલ પેટ્રોલ પંપ પાસે મોડી રાતે બંધ ડમ્પર પાછળ આઇસર ધડાકાભેર અથડાતાં તેમાં બેઠેલા ચોરવાડના જુજારપુરના વતની એમઆર યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અમદાવાદ રહેતાં મુળ યુપીના યુવાને રાજકોટમાં દમ તોડ્યો હતો. જ્યારે એમઆર યુવાનના માતા, બહેન, પિત્રાઇ બહેન અને આઇસરના ડ્રાઇવરને ઇજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. અમદાવાદથી સામાન ભરી વતન જુજારપુરમાં નવા બનાવાયેલા મકાનમાં એમઆર યુવાન પરિવારજનો સાથે રહેવા માટે આવતો હોઇ રસ્તામાં જ કાળ ભેટી જતાં કોળી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ અમદાવાદ નરોડામાં રહેતાં અને મીલમાં નોકરી કરતાં કાનજીભાઇ રૂડાભાઇ સેવરા એ લોકડાઉનમાં નોકરી ગુમાવતાં તેઓ છ મહિના પહેલા અમદાવાદથી મુળ વતન ચોરવાડના જુજારપુર આવી સ્થાયી થય. નવું મકાન બનાવવાનું શરૂ કર્યુ હતું. તેમના પત્નિ, પુત્ર, પુત્રી અમદાવાદમાં જ રોકાયા હતાં. પુત્ર વિશાલ (ઉ.વ.૨૨) એમ.આર. તરીકે નોકરી કરતો હોઇ તે તથા માતા લીલીબેન સેવરા (ઉ.વ.૪૫) અમદાવાદ ખાતે જ રોકાયા હતાં. એમકોમનો અભ્યાસ કરતી બહેન દિક્ષીતા (ઉ.વ.૨૦) અને વિશાલના કાકાની દિકરી સાવની ભુપતભાઇ સેવરા (ઉ.વ.૧૬) સંક્રાંતિ કરવા અમદાવાદ ગઇ હતી વતન જુજારપુરમાં નવું મકાન બનીને તૈયાર થઇ ગયું હોઇ વિશાલ સામાન ભરાવી અમદાવાદથી ચોરવાડ આવવા રવાના થયા હતાં. આઇસર માળીયા હાટીનાના ભંડુરી ગામના સામતભાઈ કરસનભાઇ ગરચર (ઉ.વ.૪૩) ચલાવતાં હતાં. અમદાવાદથી સામાન ચડાવવા ઉતારવા માટે એક મજૂર પણ આઇસરમાં બેઠો હતો.
બામનબોર પાસે રાતે ત્રણેક વાગ્યે બંધ ડમ્પર ડ્રાઇવરને ન દેખાતાં તેની પાછળ આઇસર ધડાકાભેર અથડાતાં આઇસરના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. અંદર બેઠેલા ચાલક સહિતના ફસાઈ ગયા હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને કુવાડવા પોલીસની ટીમ તથા ૧૦૮ની ટીમ પહોંચી હતી. ફસાયેલા ચાલક, મજૂરને બહાર કાઢ્યા હતાં. જ્યારે વિશાલનું કેબીનમાં જ ફસાઇ જતાં મોત થયું હતું.
ચાલક સામતભાઇ, મજૂર યુવાન, વિશાલના માતા લીલીબેન, બહેન દિક્ષીતા અને સાવનીને ઇજાઓ થઇ હોઇ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ અજાણ્યા મજૂરે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
વિશાલ માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ પુત્ર હતો. બનાવની જાણ થતાં કાનજીભાઇ સેવરા વતન જુજારપુરથી રાજકોટ દોડી આવ્યા હતાં. દિકરાના મોતથી પરિવારજનો આઘાતમાં ગરક થઇ ગયા હતાં.