રાજકોટ શહેરમાં છેલ્લાં 15 દિવસમાં માસૂમ બાળકી સહિત પાંચની હત્યાની ઘટનાથી પોલીસ સ્ટાફમાં દોડધામ થઇ ગઇ છે. સામા કાંઠા વિસ્તારમાં ફાયર બ્રિગેડ સામે શાંતિ સોસાયટીમાં એમ.બી.એસ. ઓર્નામેન્ટ નામના ચાંદીના કારખાનામાં મજૂરી કામ કરતા વેસ્ટ બંગાળના યુવક અને તેના મિત્રની ત્રણ કિલો ચાંદીની ચોરી કર્યાનો આળ મુકી કારખાનેદાર સહિત 10 શખ્સોએ ઢોર માર મારી બંને પરપ્રાંતિયોને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે. ડબલ મર્ડરની ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી જઇ કારખાનેદાર સહિત 10ની અટકાયત કરી સઘન તપાસ હાથધરી છે.
ચોરેલી 100 ગ્રામ ચાંદી સાથે બે બંગાળી કારીગરોને પકડી રાતભર ધોકા અને પટ્ટાથી કારખાનેદાર સહિત 10 લોકોએ મારમારી મોતને ઉતાર્યા: થોરાળા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી: કારખાનેદારે સીસીટીવી ફુટેજ ડિલીટ કર્યા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર રોડ પર પાંજરાપોળ નજીક આવેલા એમ.બી.એસ. ઓર્નામેન્ટ નામના ચાંદીના કારખાનામાં કામ કરતા અને કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ વેસ્ટ બંગાળના રાહુલ અને તેના મિત્ર મીનુ નામના યુવકના મોત થયા અંગેની થોરાળા પોલીસ મથકમાં જાહેર થતાં થોરાળ પોલીસ મથકના ચાર્જમાં રહેલા પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર અને એસીપી જાદવ સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.
એમ.બી.એસ. ઓર્નામેન્ટ ચાંદીના કારખાનાના ઓરડીમાં રાહુલ અને તેના મિત્ર મીનુને ઢોર માર મારવાના કારણે મોત નિપજ્યાનું પ્રાથમિક તપાસમાં જ બહાર આવતા પોલીસે કારખાનાના માલિક સાગર સાવલીયા, કારખાનાના મેનેજર વિપુલ ઉર્ફે પિન્ટુ મોલીયા, હિમાલય, ધવલ, કારખાનાના મજૂર તન્મય, કારખાનાના કોન્ટ્રાક્ટર પ્રદીપ, સિક્યુરિટી ગાર્ડ પુષ્પેન્દ્ર અને અજાણ્યા મજૂરોએ મળી 10 જેટલા શખ્સોની પૂછપરછ કરતા તેઓએ ગત રાત્રે પ્લાસ્ટીક અને લાકડાના ધોકાથી બંનેને માર માર્યાની કબૂલાત આપી છે.
એમ.બી.એસ. ઓર્નામેન્ટ ચાંદીના કારખાનામાં હિસાબ દરમિયાન ત્રણ કિલો ચાંદીની ઘટ આવતા કારખાનેદાર, મેનેજર અને કોન્ટ્રાક્ટર દ્વારા વેસ્ટ બંગાળના રાહુલ પર શંકા હોવાથી તેના પર વોંચ ગોઠવી હતી. દરમિયાન ગત રાત્રે રાહુલે વધુ 100 ગ્રામ જેટલા ચાંદીની ચોરી કરતા રંગે હાથ ઝડપી લીધો હતો. રાહુલની પૂછપરછ દરમિયાન તેને કટકે-કટકે અત્યાર સુધીમાં ત્રણ કિલો ચાંદીની ચોરી કરી પોતાના મિત્ર મીનુને વેંચી નાંખ્યાની કબૂલાત આપતા કારખાનેદાર, મેનેજર અને સિક્યુરિટી સ્ટાફે રાહુલ પાસેથી ચોરાઉ ચાંદી ખરીદનાર મીનુને પણ ઝડપી કારખાને લાવ્યા બાદ બંનેને ઢોર માર માર્યો હતો. કારખાનેથી બંને પરપ્રાંતિય યુવાનને કારખાનાની ઓરડીમાં પૂરી ફરી બેહરહેમીથી ફટકારતા બંને યુવકો બેભાન થઇ ઢળી પડ્યા હતા. આથી કારખાનેદારો ત્યાંથી જતાં રહ્યા હતા. સવારે કારખાનેદારોએ મજૂરોની ઓરડી ખોલી ત્યારે રાહુલ અને મીનુ મૃત હાલતમાં જોવા મળતા તેઓએ જ થોરાળ પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસે તમામ સામે ડબલ મર્ડરનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
રાજકોટ શહેરમાં એક પખવાડિયામાં મર્ડરની ચાર ઘટનામાં પાંચના મોત
રાજકોટ શહેર જાણે હવે ક્રાઈમ કેપિટલ બનું રહ્યું હોય તેમ મર્ડર ની ઘટના એકાએક બનવા પામી છે. ગુનેગારોને જાણે હવે ખાખીનો થોડો પણ ધાક ના રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે ત્યારે રાજકોટમાં એક પખવાડિયાની અંદર ચોથી મર્ડરની ઘટના બનતા લોકોમાં ફફડાટ મચી જવા પામી છે. જેમાં સતત બીજા દિવસે ઘટના બનવા પામે છે જેમાં આજે ભાવનગર રોડ પર ડબલ મર્ડરની ઘટના બનવા પામી છે. કારખાનામાં ચોરી કરતા અને તે ચોરીનો સામાન વેચવામાં મદદ કરતા બે શ્રમિકોને કારખાનાના માલિક અને મેનેજર સહિત કુલ 10 લોકોએ ઢોર માર મારી ગોંધી રાખતા તેઓનું મોત નીપજ્યું છે.
જ્યારે ગઈકાલે જ હજુ તો મર્ડરની એક ઘટના સામે આવી હતી જેમાં મોબાઈલ સંતાડી દેવાની નજીવી બાબતો યુવકને ટીકા પાટુનો માર માતા તેનો મોત નીપજ્યુ હતું. જ્યારે દસ વર્ષની બાળકીનો અપહરણ કરી તેના પર ત્રિપુટી દ્વારા સામુષ્કર્મ ગુજારી તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી.અને તે પહેલાના બનાવમાં પૈસાની ઉઘરાણી ના પ્રશ્નો ઈંડાની લારી ના સંચાલકની તેના પુત્રીની નજરની સામે જ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.ત્યારે એક પખવાડિયાની અંદર ચોથી હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.