ઉના મુદ્તેથી પરત ફરતા ઓફીસરને નડ્યો અકસ્માત: વાંકીયા ગામના બે-મિત્રોના મોતથી શોક: પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો
અબતક, ભરત ગોંડલીયા
અમરેલી
અમરેલી-ઉના ધોરી માર્ગ પર આવેલી અમર ડેરી પાસે આઇ.બી.ના ઓફીસરની કાર સાથે ડબલ સવારી બાઇક ધડાકાભેર અથડાતા વાંકીયા ગામના બે-પ્રૌઢના મોત નિપજતા નાના એવા ગામમાં શોકનું મોજુ ફેલાયું છે. તાલુકા પોલીસે બાઇક ચાલક મૃતક સામે ગુંનો નોંધી તપાસ હાથધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલી તાલુકાના વાંકીયા ગામે રહેતા ભાયલાલ ગોબરભાઇ જુવાદરીયા (ઉ.વ.૫૪) અને બાલાભાઇ મનજીભાઇ નંદાણીયા (ઉ.વ.૬૦) સહિત બંને પ્રૌઢ બાઇક લઇને અમરેલી-ઉના માર્ગ પર અમર ડેરી પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે સામેથી આવતી જીજે૧૮બી.બી.૬૪૩૪ નંબરની સરકારી કાર સાથે ધડાકા ભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભાયલાલભાઇ જુવાદરીયાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બાલાભાઇ નંદાણીયાને સારવાર મળે તે પૂર્વે રસ્તામાં દમ તોડ્યો હતો.
આ બનાવની જાણ અમરેલી તાલુકા પોલીસ મથકના સ્ટાફને થતા દોડી મૃતકોનું પી.એમ. કરાવી કારના ચાલક કિરીટસિંહ પ્રતાપસિંહ મહીડાની ફરિયાદ પરથી બાઇક ચાલક ભાયલાલ ગોબરભાઇ જુવાદરીયા સામે ગુંનો નોંધાયો છે.
પ્રાથમિક તપાસમાં કાર અમદાવાદ શારીબાગ ખાતે આવેલી આઇ.બી. રીઝીયનમાં ફરજ બજાવતા ડીસીઆઇ જગદીશ ચાવડા ઉના ખાતે કોર્ટ મુદ્તે ગયા હતા અને પરત અમદાવાદ ફરતી વેળાએ અમરેલી નજીક પહોંચ્યા ત્યારે બાઇક ચાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા કાર સાથે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવની વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.બી. ગોહિલ સહિતના સ્ટાફ ચલાવી રહ્યાં છે.