જામનગરના જાણીતા એડવોકેટની હત્યામાં સંડોવાયેલા આરોપીઓ તરફથી નગરના બાર એસોસિએશનના સભ્ય એવા કોઈ વકીલ નહીં રોકાય તેવા એસો.ના ઠરાવ પછી બે એડવોકેટે વી.પી. ભરતા તેઓને ગઈકાલે સભ્યપદેથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો એસો.એ ઠરાવ કર્યાે છે. બેઠક પહેલા બન્ને એડવોકેટે મોકલેલા રાજીનામા એસો.એ નામંજૂર કરી ઉપરોકત પગલું ભર્યું છે.
જામનગરના જાણીતા એડવોકેટ કિરીટભાઈ જોષીની તેઓની ઓફિસની નીચેના ભાગમાં જ ચાર મહિના પહેલા નિપજાવવામાં આવેલી નિર્મમ હત્યાના ગુન્હામાં સંડોવાયેલા કોઈપણ આરોપી તરફથી જામનગર બાર એસોસિએશનના સભ્ય એવા કોઈપણ વકીલ મિત્ર રોકાશે નહીં તેવો ઠરાવ બાર એસો. દ્વારા કરવામાં આવ્યો હતો.
ત્યાર પછી બે તબક્કામાં ઝડપાયેલા કુલ છ આરોપીઓ સામે પોલીસે જામનગરની ચીફ કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું અને જયેશ પટેલ સહિતના આરોપીઓને ફરાર બતાવ્યા હતા. આ પછી જામનગરના વકીલ વસંતરાય એલ. માનસાતા તથા સાજીદ એ. બ્લોચ નામના બે એડવોકેટે આરોપીઓ તરફથી પોતાનું વી.પી. રજૂ કર્યું હતું.
ઉપરોકત બાબતની ચર્ચા કરવા માટે ગઈકાલે જામનગર બાર એસોસિએશનની અરજન્ટ મિટિંગ બોલાવવામાં આવી હતી. આ બેઠક શરૃ થાય તે પહેલા જ એસોસિએશનના સદસ્ય એવા વી.એલ. માનસાતા તથા સાજીદ બ્લોચે પોતાના સભ્યપદ પરના રાજીનામા મોકલાવી આપ્યા હતા તે પછી શરૃ થયેલી બેઠકમાં પ્રમુખ ભરત સૂવા, ઉપપ્રમુખ રાજેશ કનખરા, સેક્રેટરી ભાવિન ભોજાણી, સહમંત્રી કે.કે. ઝાલા, રિતેષ ગંઢાના વડપણ હેઠળની બેઠકમાં તમામ વકીલ મિત્રોએ રાજીનામા નામંજૂર કરવા માટે સૂર વ્યક્ત કરતા એસો.એ વી.એલ. માનસાતા અને સાજીદ બ્લોચના સભ્યપદના રાજીનામા નામંજૂર કરી બન્ને સદસ્યોને વકીલ મંડળના સભ્યપદેથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ કર્યાે હતો. આ ઠરાવની બન્ને વકીલ મિત્રોને પણ નકલ પાઠવવામાં આવી હતી.