નેપાળી પરિવાર ઇલેકટ્રીક રૂમમાં રહેતો’ તો: પિતા બાળકોએ રૂમમાં બંધ કરી ગયા અને નેપાળી પરિવારની બે જયોત બુઝી

રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાનામવા સર્કલ પાસે રાજ રેસીડેન્સી, સમરથ કોમ્પ્લેકસમાં ઇલેકટ્રીક રુમમાં રહેતા નેપાળી દંપતિના બે માસુમ બાળકો રુમમાં હતા ત્યારે અચાનક શોર્ટ સર્કિટ થતા ગઁભીર રીતે દાઝેલા બન્ને માસુમોના કરૂણ મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાઇ રહ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં નાનામવા સર્કલ પાસે કોમ્પ્લેકસમાં રહી ચોકીદારી કરતા સાગર અને તેની પત્ની ચાંદનીબેન બપોરના સમયે કામથી બહાર ગયા હતા ત્યારે રૂમમાં રહેલા તેમના બે બાળકો સૃષ્ટી (ઉ.વ.૭) અને લક્ષ્મણ (ઉ.વ.૪) ને અચાનક શોર્ટ સર્કિટી થતાં રૂમમાં અણ ભભૂકિ ઉઠી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયરના જવાનોએ આગ બુઝાવી રુમનો લોક તોડી અંદર પ્રવેશ  કરતા સૃષ્ટી અને લક્ષ્મણ ગંભીર રીતે દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા.

સૃષ્ટી અને લક્ષ્મણ બન્ને માસુમ બાળકોને તાકીદે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં પ્રાથમીક સારવારમાં જ બન્ને બાળકોએ દમ તોડતા એક જ પરિવારની બે જયોત બુઝી જતા કલ્પાંત છવાઇ રહ્યો છે.ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. એ.એમ. જાડેજા સહીતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની ગંભીરતાના પગલે આગ કયા કારણોસર લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.