પિતા-પુત્રની હત્યાના ગુનામાં પત્નીની સારવારના ખોટા સર્ટીફીકેટ રજૂ કરી પેરોલ બાદ ફરાર હતો
શહેરના રૈયારોડ પર આવેલી આમ્રપાલી ટોકીઝ નજીક સુભાષનગરમાં ભાજપના અગ્રણી પિતા પુત્રની કરપીણ હત્યાના ગુનામાં પેરોલ બાદ પોણા ત્રણ વર્ષથી નાસતા ફરતો નામચીન સાજીદ કચરાની તેના ઘર નજીક બે હથીયાર સાથે ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.
પોલીસમાંથી વિગત મુજબ શહેરમાં ગંભીર પ્રકારના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા શખ્સોને ઝડપીલેવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ.એમ. ગઢવી અને પીએસઆઈ ડી.પી. ઉનડકટ સહિતના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ભાજપના અગ્રણી ઈલીહાસખાન પઠાણ અને તેના પુત્રની હત્યાના ગુના પેરોલ દરમિયાન નાસતો ફરતો અને નહેરૂનગર શેરી નં.૨/૩માં રહેતો સાજીદ હુસેન ઈબ્રાહીમ કચરા નામનો શખ્સ પોતાના ઘર પાસે હોવાની કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલાને પ્રદીપસિંહ જાડેજાને મળેલ બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી સાજીદ કચરાની અટકાયત કરી તેના કબ્જામાંથી પિસ્ટલ, રિવોલ્વર, કાર્ટીસ અને મોબાઈલ મળી રૂ.૩૧૭૦૦ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.
ઝડપાયેલા સાજીદ કચરા ઈલીહાસખાન પઠાણ અને તેના પુત્રની હત્યાનાં ગુનામાં જેલ હવાલે હતો અને પોણા ત્રણ વર્ષ પૂર્વે પેરોલ મેળવ્યાબાદ પોણા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો તેમજ ઝડપાયેલો બુટલેગર સાજીદ કચરા સામે પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસ મથકના હત્યાના ગુના નોંધાય ચૂકયા છે.
પોલીસે સાજીદ કચરા કયાં છૂપાયો હતો અને હથીયાર કોની પાસેતી લાવ્યો અને શુ કામ રાખતો હતો તે મુદે વધુ તપાસ માટે સાત દિવસના રીમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.