નાના મવા ટી.પી. સ્કીમ નં ૧૦ અને ૨૦ સાથે સાથે રાજયની ૭ ટીપી સ્કીમોને મંજુરીની મહોર
મુખ્યમંત્રી તરીકે સતારૂઢ થયાના અઢી વર્ષમાં વિજયભાઈ રૂપાણીએ રાજયમાં ૧૦૦ થી વધુ ટીપી સ્કીમોને બહાલી આપી વિકાસને વેગ આપ્યો
૧૦૦ ટાઉન પ્લાનીંગ સ્કીમ એટલે કે, ટીપી સ્કીમને શહેરી વિસ્તારો માટે વર્ષ ૨૦૧૮માં મંજૂરી આપ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુ ૭ નવી ટીપી સ્કીમોને મંજૂરી આપવાની વાત કહી છે. છેલ્લા ૧૨ મહિનામાં અમદાવાદમાં ૪૩ ડ્રાફટ ટાઉન પ્લાનીંગ સ્કીમોને પરવાનગી મળી છે. ત્યારે હવે અમદાવાદના ઓડા વિસ્તારમાં ડ્રાફટ ૫ અને રાજકોટની ૨ ટીપી સ્કીમોને મંજૂરીની મહોર લાગી છે.
રાજકોટના નાના મવાની ડ્રાફટ ટીપી ૨, નાના મવાની ફાઈનલ ટીપી ૧૦ને મંજૂરી અપાઈ છે. રાજકોટની મંજૂર કરાયેલી નાના મવા ૧૦નો કુલ વિસ્તાર ૯૦ એકરનો છે જેમાં સત્તા મંડળને ૪૨૮૭૪ ચો.મી.ના વેંચાણના હેતુ માટે પ્લોટ ૨૭૬૬૩ ચો.મી. સામાજીક અને આર્થિક પછાત વર્ગના લોકો માટે પ્લોટ જાહેર કરવાનું કહેવાયું છે.
૧૧૦૦૦ ચો.મી.ની ખુલી જગ્યામાં બગીચા, પાર્કિંગ માટે ૯૩૧૫ ચો.મી.ના પ્લોટ આપવામાં આવ્યા છે. અમદાવાદમાં ૫ ડ્રાફટ ટીપી સ્કીમને મંજૂરી મળવાથી ૪૫૦ એકરથી વધુની જમીન સુઆયોજીત વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે જેની ઉપર ૧૦૦૦ કરોડથી પણ વધુના વિકાસના કાર્યો કરવાનો નિર્ધાર કરાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તા‚ઢ થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિકાસ કાર્યોની કરોડરજ્જુ ગણાતી ટીપી સ્કીમોને ધડાધડ મંજૂર આપવાનું શરૂ કરી દીધું છે. રાજય સરકારના શહેરી વિભાગમાં રાજકોટ મહાપાલિકાની અનેક ટીપી સ્કીમો વર્ષોથી પેન્ડીંગ હતી દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ છેલ્લા અઢી વર્ષમાં પેન્ડીંગ સ્કીમોને મંજૂરી આપવાનું શરૂ કર્યું છે. ગઈકાલે નાના મવાની અલગ અલગ બે ટીપી સ્કીમને મંજૂરીને મહોર આપતા હવે રાજય સરકારના લેવલે રાજકોટ મહાનગરપાલિકાની એક પણ ટીપી સ્કીમ હાલ પેન્ડીંગ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજય સરકારના ટીપીઓ પાસે પેન્ડીંગ રહેલી ટીપી સ્કીમોને પણ મંજૂરીની મહોર મારવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે.
સ્માર્ટ સિટી તરીકે પસંદગી પામ્યા બાદ મહાપાલિકા દ્વારા રૈયા વિસ્તારમાં સ્પેશીયલ ટીપી સ્કીમ નં.૩૨ બનાવવામાં આવી હતી જેને પણ રાજય સરકારે યુદ્ધના ધોરણે મંજૂરી આપી દીધી હતી. મહાપાલિકાની અલગ અલગ ટીપી સ્કીમોને બહાલી મળતા હવે રોડ-રસ્તાના કબજે સંભાળવા સહિતના વિકાસ કામોને વેગ મળશે. હાલ જે ટીપી સ્કીમો મંજૂર થઈ જે તેનું આખરી નોટીફીકેશન મહાપાલિકાને મળ્યા બાદ તમામ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.