રાજકોટના રૈયા સરવે નં.156 પૈકીની ULC ફાજલની 166 કરોડની સરકારી જમીન પર કૌભાંડીઓએ દબાણ કરી લીધાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ દબાણકારો સામે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં તંત્ર હજુ પણ ઢીલ કરી રહ્યું છે અને માત્ર 2 દબાણકારોની કોમર્સિયલ મિલકત પર સીલ મારી કામગીરી કર્યાનો દેખાડો કર્યો છે. જ્યારે ડિમોલિશનની કામગીરી હવે 2જી ઓક્ટોબર બાદ કરાશે.
રાજકોટના પોશ વિસ્તાર રૈયા રોડ પર આવેલી કરોડો રૂપિયાની સર્વે નં.156 પૈકીની ૩૦ હજાર ચો.મી.થી વધુ સરકારી જમીન પર ભૂમાફિયાઓનો કબજો હોવાના અહેવાલ બાદ પશ્ચિમ મામલતદાર તંત્રે 5 તલાટીને દોડાવ્યા હતા. અને આ 5 તલાટીએ કુલ 27 આસામીને નોટિસ આપી તેમની મિલકતના આધાર-પુરાવા રજૂ કરવા સૂચના આપી હતી. જેમાંથી માત્ર એક જ આસામી પાસે મિલકતની માલિકીના આધાર-પુરાવા પેટે નમૂનો-2 રજૂ કરાયો હતો.
બાકીના 26 દબાણકારોને જવાબ આપવામાં પણ નહીં આવતા. તેઓએ સરકારી જમીનમાં રહેણાક અને વાણિજ્યક હેતુના બાંધકામ ખડકી દીધાનું સ્પષ્ટ બન્યું હતું. જેના પગલે પશ્ચિમ મામલતદાર મહેશ શુક્લએ ગત તા.9-9 ના રોજ ગેરકાયદેસર ખડકાયેલા 12 કોમર્સિયલ અને 14 રહેણાક મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 15 દિવસ બાદ પણ હજુ સુધી કોઈ કામગીરી પશ્ચિમ મામલતદાર તંત્ર દ્વારા કરવામાં આવી નથી. તેમજ આ મુદ્દે પશ્ચિમ મામલતદાર શુક્લનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, અમે નિલુ ગાર્ડન રેસ્ટોરન્ટ અને એક ગેરેજને સીલ મારી દીધા છે. તેમજ તલાટીઓ પ્રમોશનની પરીક્ષા આપવા બહારગામ ગયા હોવાથી ડિમોલિશનની કામગીરી તા.2 ઓક્ટોબર બાદ કરાશે.