ગાયનું દૂધ, ઘી, છાણ તથા મૂત્રને પવિત્ર માનીને હિંદુઓમાં ધાર્મિક વિધિઓ અને પ્રસંગોમાં ખાસ ઉ5યોગમાં લેવાય
ગતાંકમાં આપણે ગાયની ઉત્પત્તિ અને મહત્વ વિશે વાત કરી ગયા છીએ.ઉપરાંત ઉપયોગીતાની દ્રષ્ટિએ ગાયનું મહત્વ વિશે પણ વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી છે.ઉપયોગીતાની દ્રષ્ટિએ આજે ગાય વર્ગની ઊંચી ઓલાદો સંવર્ધન કરી તૈયાર કરવામાં આવી રહી છે.તે મુખ્યત્વે દૂધ અને ખેતી કામ માટે ઉપયોગી બની રહી છે.વધુમાં જુદી જુદી આબોહવા જમીન અને ખોરાકને અનુરૂપ વૃદ્ધિ અને ઉછેર કરવામાં આવે છે. ડેરી ઉદ્યોગને અનુરૂપ ડેરી ઓલાદો પણ તૈયાર કરવામાં આવી છે.શોર્ટહોર્ન,જર્સી,હોલ્સ્ટીન, ફ્રીઝિયન જાતો ઉપરાંત દેશી ઓલાદોમાં બ્રાહ્મણ હરિયાણા,કાંકરેજ મુખ્ય જાતો છે.તે ઉપરાંત સંકરીકરણ દ્વારા ઉદભવેલી અમેરિકન બ્રાહ્મણ સાંતા,ગરગ્રૂડીસ અને બ્રાંગસ જાતો છે.
ભારતીય લોકજીવનમાં ગાયની હત્યા મહાપાતક ગણાય છે,કારણ કે બીજા પશુઓના પ્રમાણમાં ગાયની ઉપયોગીતા અત્યંત મહત્વની છે.કૃષિ પ્રધાન દેશ ભારતમાં ગાય પાળેલા પશુઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે.ગાયનું દૂધ,ઘી, છાણ તથા મૂત્રને પવિત્ર માનીને હિંદુઓમાં ધાર્મિક વિધિઓ અને પ્રસંગોએ ખાસ ઉપયોગ થાય છે.ગાયનું દૂધ પચવામાં હલકું હોવાથી નાના બાળકોને તેમની માતાનું દૂધ મળતું ન હોય ત્યારે સંપૂર્ણ આહાર તરીકે આપવાની ભલામણ ડોક્ટર કરે છે.
ગાય,બકરી અને મનુષ્યના દૂધમાં ઘણું સામ્ય છે. જ્યારે ભેંસના દૂધમાં પ્રોટીન ચરબી તેમજ શક્તિનું પ્રમાણ વધારે હોય છે.ચરબી નાનાં બાળકોને પચવામાં ભારે હોય છે.ડેરી – ઉદ્યોગ દેશના અર્થતંત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે.વિકસિત દેશોમાં ડેરી- ઉદ્યોગ ગાયના દૂધ ઉત્પાદન ઉપર નિર્ભર છે. ડેરી – ઉદ્યોગની પેદાશો પોષણની દ્રષ્ટિએ અમૂલ્ય એવા સંપૂર્ણ પ્રાણીજન્ય પ્રોટીન પૂરું પાડે છે.આમ, માનવ માટે અગત્યનો ખોરાક છે.ગાયનું છાણ તથા મૂત્ર કુદરતી ખાતર તરીકે ખેતીવાડી ક્ષેત્રે મહત્વનો ફાળો આપે છે.ચર્મ ઉદ્યોગ માટે પણ મૃત ગાયો ઉપયોગી છે.તેનાં હાડકાંનાં ભૂકાનું ક્ષાર મિશ્રણ પશુ આહાર તેમજ મરઘાં આહારના ઉપયોગમાં લેવાય છે.આમ,ગાયો રાષ્ટ્રીય સંપતિમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
ગાય વિશે જો વિશેષ વાત કરવામાં આવે તો દેશી ગાયો સરેરાશ 3.5 થી 4.5 વર્ષે એક વાછરડાને જન્મ આપે છે.જન્મ સમયે વાછરડાનું સરેરાશ વજન 20 થી 25 કિલોગ્રામ હોય છે.ગર્ભાવસ્થાનો સમય ગાળો 270 થી 280 દિવસનો હોય છે.દેશી ગાય સરેરાશ દૈનિક ત્રણથી દસ લીટર સુધી દૂધ આપે છે.જ્યારે વિદેશી ઓલાદની ગાયો 10 થી 25 લીટર દૂધ આપે છે.દેશી ગાયોનું એક વેતરનું સરેરાશ ઉત્પાદન 500 થી 1500 લીટર અને વિદેશી ગાયોનું સરેરાશ દૂધ ઉત્પાદન 2500 થી 4500 લિટર છે. વેતરનો સમય સરેરાશ 300 થી 320 દિવસનો હોય છે.સામાન્ય રીતે દર વર્ષે વિયાણ થાય છે.ગાયો સરેરાશ પોષણક્ષમ દૂધ ઉત્પાદન પાંચ થી છ વેતર સુધી આપે છે.ગાયનું આયુષ્ય 18થી 20 વર્ષ હોય છે.ગાયની જુદી જુદી ઓલાદોમાં દૂધ આપવાની ક્ષમતા જુદી જુદી હોય છે.
ગાયનો કુદરતી ખોરાક ઘાસચારો છે.તે તેના શરીરના વજનના સરેરાશ 2.5% જેટલો ઘાસચારો ખાય છે.એક પુખ્ત ગાય 10 થી 12 કિ.ગ્રા.જેટલો સૂકો ઘાસચારો ખાય છે.વધુ દૂધ ઉત્પાદન માટે ગાયને વધારાનું ખાણદાણ આપવામાં આવે છે.ગાયના ખોરાકમાં લીલો ચારો જેવો કે રજકો,જુવાર,મકાઈ બાજરી,ઑટ તેમજ ઘાસચારાના અન્ય પાક જેવા કે ગજરાજ,ગીની ઘાસ અને પેરા ઘાસ પણ ખવડાવવામાં આવે છે.સૂકા ચારામાં ધાન્ય વર્ગના પાકમાંથી મળતા કડબ,પૂળા,પરાળ અને કઠોળ વર્ગનું ગોતર પણ ખવડાવવામાં આવે છે.
આજે અહીં ડાલામથ્થા સિંહ વિશે વાત નથી કરવી,પરંતુ ગીર ગાય અન્ય પ્રકારની ગાયો વિશે વાત કરવી છે.સિંહને આપણે સાચવી શક્યા પણ ગીર ગાયને મૂળ સ્વરૂપે સાચવવી અઘરી લાગે છે.ગીર ગાય અંગે છેલ્લા વર્ષોમાં જાગૃતિ આવે છે.આ અંગે માહિતીનો પણ ફેલાવો થયો છે.ગીર નસલની જાળવણી અને ગીર ઓલાદની શુદ્ધ અને સારી આનુવંશિકતા ધરાવતા પશુઓની સંખ્યા વધારવા માટે સરકારશ્રી દ્વારા તેમજ અનેક ગૌશાળાઓ,સંવર્ધનકર્તાઓ, ધાર્મિક સંસ્થાઓ અને ગોપાલકો દ્વારા મોટા પાયે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
આ દેશી ગાયો ઉપરાંત વિદેશી ગાયોની ઓલાદો પણ ઘણી છે.જુદા જુદા દેશોમાં ભાષા પ્રમાણે તેમના અનેક નામ છે.યુરોપ સિવાય બીજા ખંડોમાં આ ગાયોનો ફેલાવો મુખ્યત્વે ગ્રેટ બ્રિટન,ડેનમાર્ક,હોલેન્ડ અને ફ્રાન્સની ગાયોમાંથી થયો છે.વિદેશી ગાયોમાં અગત્યની દુધાળ ઓલાદોમાં જર્સી ગાય સૌથી નાના કદની છે.ફાચર આકારનું શરીર,કદના પ્રમાણમાં મોટું પેટ,સુવિકસિત આઉ અને આંચળ તથા ગાય દૂઝણી હોય ત્યારે શરીર પર વધારાની સહેજ પણ ચરબી જમ્યાનો અભાવ એ આ ઓલાદની વિશિષ્ટ ખાસિયતો છે.જર્સી ઓલાદની ગાયનો રંગ બદામી તથા માથા પર અને પેટની નીચે કાળા રંગની ઝાંય હોય છે.આ ઢોરનું માથું નાનું,કપાળ બેઠેલું,શિંગડાં નાનાં,પાતળાં અને સહેજ આગળ પડતાં હોય છે.કાળાં નસકોરાં ફરતું સફેદ રંગનું કૂંડાળું હોય છે.
ગાયની પીઠ સીધી હોય છે.જર્સી ગાયની ઉંમર પ્રથમ વિયાણ વખતે 22 થી 26 મહિના હોય છે.જર્સી ગાયો વેતરમાં સરેરાશ અઢી હજારથી સાડા ત્રણ હજાર લીટર દૂધ આપે છે.બે વિયાણ વચ્ચેનો સરેરાશ ગાળો 13 થી 14 મહિના હોય છે.અન્ય વિદેશી દુધાળ ગાયોની સરખામણીમાં જર્સી ગાયના દૂધનો રંગ પ્રમાણમાં વધુ પીળો હોય છે.સ્વભાવ સહેજ તેજ અને ભડકણ હોય છે.આ ઓલાદની ગાયો બીજી વિદેશી ઓલાદની ગાયોની સરખામણીમાં લાંબું જીવે છે.આ ઓલાદની ગાયો ગરમ આબોહવાના પ્રદેશમાં સારું ઉત્પાદન આપે છે.તેથી ઉષ્ણ કટિબંધના દેશોમાં શુદ્ધ ઓલાદ તરીકે ઉછેરવામાં અને સંકરણ કાર્ય માટે જર્સી ગાયો અને સાંઢ આયત કરવામાં આવે છે.
આ ઉપરાંત વિદેશી ગાયની કેટલીક અન્ય ઓલાદો પણ જોવા મળે છે,જેવી કે ડચ બેલ્ટેડ,ડેકચર,બ્રાઉન સ્વિસ,આયર -શાયર,ફ્રેન્ચ કેનેડિયન,શોર્ટહોર્ન,રેડપોલ,રેડ ડેનિશ અને ગરન્સી.
ગીરગાય
સૌરાષ્ટ્રમાં આવેલો ગીર પ્રદેશ દેશી ગાયની ઓલાદોનું મૂળ રહેઠાણ છે.ગીર પ્રદેશ ઉપરથી આ જાતનું નામ ’ગીર ગાય’ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આ ગાયો દેસાણ અને સૌરાષ્ટ્ર બહાર કાઠીયાવાડી ગાયોના નામે ઓળખાય છે.આ જાત ખેતી તેમજ દૂધ એમ બંને કામ માટે ઉપયોગી છે. પરદેશમાં ખાસ કરીને બ્રાઝિલ તેમજ ઓસ્ટ્રેલિયામાં તેની નિકાસ કરવામાં આવે છે. ગીર ગાયોનો રંગ ગોરો,ધોળો,કાબરો અને કાળો હોય છે.માથું મોટું આંખો પ્રમાણમાં ઝીણી, ચહેરો મધ્યમ લાંબો અને સાંકડો પણ સપ્રમાણ તથા નસકોરાં પહોળાં અને મોટાં હોય છે.કાન લાંબા,મોઢા ઉપર ઢળકતા,અંદર વળી ગયેલા અને વચમાં પહોળા થતા જોવા મળે છે.
શીંગડાં મોટાં,જાડાં ને મોડિયામાંથી નીકળી ઉપરના ભાગમાં જાય છે અને પછી પાછળ જતાં વળેલાં જોવા મળે છે.ખૂંધ ભરાવદાર, પગ ટૂંકી નળીવાળા અને ખરીઓ ઘણી જ મજબૂત હોય છે,તેથી ડુંગરાળ પ્રદેશમાં પગ તળવાઈ જતા નથી.ચામડી મુલાયમ અને ઢીલી હોય છે. ગોદડી મોટી લબડતી હોય છે.આઉ મોટું હોય છે.આંચળ પણ મોટા સરખી જાડાઈ વાળા હોય છે. દૂધની નસ મોટી અને આગળના પગના મૂળમાંથી નીકળેલી જણાય છે.ગીર ગાયનો વિસ્તાર મુખ્યત્વે ગુજરાત તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાન છે.આ ગાય સરેરાશ 385 કિ.ગ્રા.વજન તથા 130 સેન્ટી મીટર ઊંચાઈ ધરાવતી હોય છે.સરે રાશ એક વેતરમાં 1590 કિલોગ્રામ દૂધ આપે છે.
દેશી ગાય
દેશી ગાયની કેટલીક ઓલાદોની જો વાત કરીએ તો શાહીવાલ નામની ઓલાદની ગાયોને ગીર વર્ગની ઓલાદમાં મૂકવામાં આવે છે.આ ઓલાદના ઢોર પંજાબના બધા જ પ્રદેશમાં જોવા મળે છે.શાહીવાલ ગાય ઉત્તમ દુધાળ ઓલાદ છે.આ ઓલાદની ગાયો રતાશ પડતી હોય છે.લાલ રંગ સાથે ઘણીવાર સફેદ રંગના ધાબાં હોય છે.
કપાળ મધ્યમ,શીંગડાં ટૂંકાં, જાડાં અને 8 સે.મી.જેટલા લાંબા હોય છે.આંખો તેજસ્વી અને સામાન્ય,કાન મધ્યમ કદના તથા ગોદડી મોટી ને ભરાવદાર હોય છે.પ્રથમ વિયાણ અઢીથી ત્રણ વર્ષની ઉંમરે અને બે વિયાણ વચ્ચેનું અંતર 15 માસનું હોય છે.વેતરનું દૂધ ઉત્પાદન સામાન્ય પરિસ્થિતિમાં સરેરાશ 1300 લિટર અને ફાર્મ ઉપર 2300 થી 3,000 લીટર હોય છે.દૂઝણા દિવસો 300 અને વસૂકેલા દિવસો 140 જેટલા હોય છે.
આ ઉપરાંત નીમારી અને સોનખરી નામથી ઓળખાતી ઓલાદ મધ્યપ્રદેશ અને મધ્ય ભારતમાં જોવા મળે છે.ગવલી નામની ઓલાદ વર્ધા,નાગપુર અને છીદવાડા જિલ્લામાં જોવા મળે છે.
કાંકરેજ ગાય
ગાયના બીજા કેટલાક પ્રકારોની જો વાત કરવામાં આવે તો ગાયનો બીજો પ્રકાર કાંકરેજ ગાય છે.આ ઓલાદની ગાયો વઢિયાર,વાગડ વગેરે નામથી પણ ઓળખાય છે.કાંકરેજ ગાયનું ઉત્પત્તિ સ્થાન ઉત્તર ગુજરાત,કચ્છ અને સિંધ મનાય છે.ખાસ કરીને ડીસા,પાલનપુર,બનાસકાંઠા અને કચ્છના બન્ની પ્રદેશના વિસ્તારમાં આ ઓલાદ સારા પ્રમાણમાં જોવા મળે છે.આ જાતને શુદ્ધ સ્વરૂપમાં સાચવી રાખવામાં અને વિકસાવવામાં માલધારી ભાઈઓનો ઘણો મોટો ફાળો છે.કાંકરેજી ગાય ભારતની અન્ય ઓલાદોની સરખામણીમાં સૌથી મોટા કદની છે.ગાયોનો રંગ સફેદ દૂધ જેવો અથવા રૂપાના જેવો એટલે સફેદ સાથે કાળાશ પડતો રાખોડિયો હોય છે.સાંઢ રાખોડી અને સફેદ રંગનો હોય છે.પરંતુ મોટી ઉંમરના સાંઢ મોટે ભાગે શરીરે કાળા રંગના થઈ જાય છે.માથું વિશેષ પ્રકારનું હોય છે.આ ઓલાદનું કપાળ રકાબી આકારનું હોય છે.
ચહેરો ટૂંકો,કપાળ પહોળું અને વચમાં ખાડો હોય છે.આંખો ચળકતી,કાન લાંબા અણીદાર અને નીચે ઝૂકતા તથા ચંચળ હોય છે.શીંગડાં મધ્યમ જાડાં,અર્ધ ચંદ્રાકાર વળેલા અને લાંબા કુંડલાકાર હોય છે.સાધારણ કદની ગોદડી હોય છે.ખૂંધ વિકાસ પામેલી હોય છે.પગ મજબૂત અને લાંબા હોય છે.આ ઓલાદ તેની ચાલ માટે પ્રખ્યાત છે.જેને સવાઈ ચાલ કહેવામાં આવે છે.આ ઓલાદના ઢોર ચપળ,સ્વભાવે તીખા અને ભડકણ હોય છે.આખલા વધારે જુસ્સાદાર તોફાની હોય છે. આ ઉભય રીતે ઉપયોગી ઓલાદ છે.આ ઓલાદની ખામી એક જ છે કે તેની ખરીઓ પોચી હોવાથી પહાડી પ્રદેશમાં આ બળદ તળવાઈ જાય છે.
સિંધી ગાય
સિંધી ઓલાદની ગાયનું જન્મ સ્થાન સિંધ પ્રદેશ હોવાનું માનવામાં આવે છે.આ ઓલાદ ભારતના બધા ભાગમાં જોવા મળે છે.સિંધી ઓલાદની ગાયો રાતી અથવા પીળાશ પડતી,કદ નાનું,સ્વભાવે શાંત, શિંગડાં મૂળમાંથી જાડાં,કદમાં નાનાં અને બુઠ્ઠા,ચામડી અને વાળ ચળક તાં,કપાળ સપાટ,કાન મધ્યમ કદના અને આવલું સુવિકસિત પરંતુ લબડતું હોય છે.પ્રથમ વિયાણ ત્રણથી સાડા ત્રણ વર્ષની ઉંમરે અને બે વિયાણ વચ્ચેનો સમય 13 થી 15 માસનો હોય છે.
ડાંગી
ડાંગી ઓલાદનું નામ ગુજરાતમાં આવેલા ડાંગ પ્રદેશ ઉપરથી પડ્યું છે.કોંકણ પ્રદેશમાં કોંકણી અને પશ્ચિમ ઘાટના પહાડોમાં ઘાટી પણ કહેવાય છે.આ ઓલાદના ઢોર સ્વભાવે નમ્ર,સહેજ આળસુ,પરંતુ દેખાવે ઘણા શક્તિશાળી હોય છે.ચામડી જાડી,મુલાયમ અને ચળકતા વાળ વાળી હોય છે.કપાળ મોટું કાન,ટૂંકા,પહોળા અને અંદરથી કાળા હોય છે.શીંગડાં ટૂંકાં,જાડાં અને બુઠ્ઠા,ગોદડી જાડી કરચલી વાળી અને લબડતી,પગ બરાબર ગોઠવાયેલા,સીધા તથા મધ્યમ લાંબા હોય છે.પ્રથમ વિયાણ ચારથી પાંચ વર્ષની ઉંમરે.વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 500 થી 600 લીટર.બે વિયાણ વચ્ચેનો સમય 18 થી 20 માસનો હોય છે.