400 લોકોની મર્યાદામાં સ્નેહમિલન અને છઠ્ઠ પૂજાની મંજૂરી
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા કેટલીક છુટછાટ જાહેર કરવામાં આવી છે. રાજકોટ સહિત રાજ્યની તમામ આઠેય મહાનગરપાલિકાઓમાં કાલથી એક મહિના સુધી રાત્રી કરફયુમાં બે કલાકની છુટછાટ આપવામાં આવી છે. કાલથી રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કરફયુ અમલમાં રહેશે. દુકાનો રાત્રીના 12 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. આ ઉપરાંત નૂતન વર્ષનું સ્નેહમિલન અને છઠ્ઠ પૂજા 400 વ્યક્તિઓની મર્યાદામાં કરી શકાશે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં આવતીકાલથી 30મી નવેમ્બર સુધી રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કરફયુ અમલમાં રહેશે. આ ઉપરાંત તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડિક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિ રાત્રીના 12:00 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરન્ટ્સ રાત્રીના 12:00 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 75% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
હોમ ડીલીવરી તથા ટેઈકઅવે પણ રાત્રીના 12:00 કલાક સુધી ચાલુ રાખી શકાશે. સિનેમા હોલ 100% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલન ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં) કરી શકાશે.
400 વ્યક્તિઓની મર્યાદામાં છઠ્ઠ પૂજાના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરી શકાશે.સ્પા સેન્ટરો નિયત કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે સવારના 9:00 થી રાત્રીના 9:00 કલાક સુધી ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે.
સ્પા સેન્ટરના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યાના 14 દિવસથી હોસ્પિટલથી રજા મળ્યાની તારીખથી 90 દિવસ પૂર્ણ થયા બાદ તુર્ત જ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. પ્રથમ ડોઝ લીધાને નિયત સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો બીજો ડોઝ પણ લીધેલ હોય તે હિતાવહ રહેશે.