- રાજકોટમાં જાહેર સભા છતા ગુજરાતની ચૂંટણી વિશે એક શબ્દ ન ઉચાર્યો
- ભાજપની પોલીસી નહી પરંતુ નાના અને મધ્યમ ઉદ્યોગોને ખતમ કરી નાંખવાનું હથીયાર છે: રાહુલ ગાંધીના પ્રહારો
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની ગઇકાલે સાંજે રાજકોટમાં જંગી ચૂંટણી સભા યોજાઇ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આવેલા રાહુલ ગાંધીએ ચૂંટણી વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. માત્ર ભારત જોડો યાત્રાની વાતો કરી હતી. ભાજપ પર પ્રહાર કરતા તેણે જણાવ્યું હતું કે બે હિન્દુસ્તાનનું નિર્માણ થઇ રહ્યું છે. એક અરબો પતિનું હિન્દુસ્તાન અને બીજી ગરીબોનું હિન્દુસ્તાન અમારે માત્ર ન્યાયનું હિન્દુસ્તાન જોઇએ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે 10 દિવસ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. તેઓએ સુરતના મહુવામાં બપોરે ચૂંટણી સભા સંબોધ્યા બાદ સાંજે રાજકોટમાં જાહેર સભા સંબોધી હતી. જેમાં તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેઓએ ઉમેર્યું હતું કે 17 દિવસ પહેલા ક્ધયા કુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી હતી. હવે અમે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પ્રવેશી રહ્યા છીએ. યાત્રા પૂર્ણ થશે ત્યારે શ્રીનગરમાં તિરંગો ઝંડો લહેરાવીશું. યાત્રાથી ઘણુ શીખવા મળી રહ્યું છે. યુવાનો, ખેડૂતો, મજૂરો અને વેપારી સાથે વાત થઇ રહી છે.
ભારત જોડો યાત્રાની પ્રેરણા અમને ગુજરાતથી મળી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલમાંથી મળી છે. જો યાત્રા ગુજરાતથી શરૂ થઇ હોત તો સવિશેષ આનંદ થત. યુવાનો પોતાના સપના વિશે વાતો કરે છે. કિશાનો કહે છે કે હિન્દુસ્તાનના ચારથી પાંચ અરબપતિ કરોડો-અબજોનું કરજ લ્યે અને તેની ચૂકવણી ન કરે તો તે માફ કરી દેવામાં આવે છે. જ્યારે ખેડૂતોનું 50 હજારનું દેવું માફ કરાતું નથી. તેને ડિફોલ્ટર કહેવામાં આવે છે. પ્રધાનમંત્રી વિમા યોજનામાં ખેડૂતો પૈસા ભરે છે પરંતુ વાવાઝોડું કે અતિવૃષ્ટિમાં પાક નાશ માટે તો વળતર મળતું નથી.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં મોતને ભેટેલા 135થી વધુ સદ્ગતના આત્માને શ્રધ્ધાંજલી અર્પતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોરબીમાં પૂલ તૂટવાની ઘટનામાં જેને કામ કર્યું છે. તેની સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. એફઆઇઆર પણ થઇ નથી કારણ કે તેઓને ભાજપ સાથે સારા સંબંધો છે. તેઓને શું કશું જ નહી થાય તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો. ચોકીદારને પકડવામાં આવ્યા છે.
તેઓએ ઉમેર્યું હતું કે લઘુ અને મધ્યમ ઉદ્યોગ ગુજરાતની કરોડરજ્જુ છે. આ ઉદ્યોગો જ રોજગારી આપે છે. કેન્દ્ર સરકારે નોટબંધી જાહેર કરી ત્યારે કહ્યું હતું કાળુ ધન હટાવીશું પણ આવુ થયું નથી. ખોટી રીતે જીએસટી લાગૂ કરવામાં આવ્યો જેથી નાના અને મધ્યમ ઉદ્યોગ ખતમ થઇ ગયા. વાસ્તવમાં કેન્દ્ર સરકારની કોઇ પોલીસી જ નથી. પોલીસીનો ઉપયોગ કિશાન, મજૂર અને નાના ઉદ્યોગોને ખતમ કરવા માટેના હથિયાર તરીકે કરવામાં આવે છે. ચાર-પાંચ અરબો પતિ માટે જે બિઝનેસ કરવો હોય તે માટે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. યુવાનો પાસે રોજગારી નથી. 45 વર્ષમાં આજે બેરોજગારીનું પ્રમાણ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. તમામ પબ્લિક સેક્ટરનું ખાનગીકરણ થઇ રહ્યું છે.
કેન્દ્રની વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આજે બે હિન્દુસ્તાન બની રહ્યા છે. એક અરબો પતિઓનું હિન્દુસ્તાન અને એક ગરીબોનું હિન્દુસ્તાન અમારે માત્ર ન્યાયનું હિન્દુસ્તાન જોઇએ છે.
રાજકોટમાં યોજાયેલી જાહેર સભામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. સરકાર નથી બનતી તેવા રિપોર્ટ મળી રહ્યા હોય ભાજપ ચૂંટણીના ચાર-પાંચ દિવસ અગાઉ અનેક કાવતરા કરશે. જેલમાં રીઢા ગુનેગારોની મીટીંગ થઇ રહી છે. તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. તેવા પણ મારી પાસે અહેવાલ છે. કોંગ્રેસ 125થી વધુ બેઠકો જીતી ગુજરાતમાં સરકાર બનાવાશે. નફરતની ખેતી કરનારાઓને તમાચા વાગી રહ્યા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતની ચૂંટણીના કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વેર અશોક ગેહેલોતે જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં ભાજપ સરકાર વિરૂધ્ધ ભયંકર લહેર જોવા મળી રહી છે. મોદી અને શાહ આ બે વ્યક્તિ જ દેશ ચલાવી રહ્યા છે. આ ભય દેશમાંથી કાઢવાની શરૂઆત ગુજરાતથી થશે. કોંગ્રેસ જે આઠ વચનો આપ્યા છે જે અમારી સરકાર બનતા ચોક્કસપૂર્ણ કરીશું.
છપ્પનની છાતી: ભરી સભામાં ઇન્દ્રનીલે રાહુલ ગાંધીની માફી માંગી
68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરૂએ ગઇકાલે રાજકોટમાં રાહુલ ગાંધીની ભરી સભામાં માફી માંગી હતી. તેઓની આ હિંમતની સર્વત્ર સરાહના થઇ રહી છે. તેઓએ જણાવ્યું હતું કે રાહુલજી મારા લોહીમાં કોંગ્રેસ વહી રહી છે.
પરંતુ હું ભૂલથી ભટકી ગયો હતો અને આમ આદમી પાર્ટીમાં ગયો હતો. એક જૂઠ્ઠા વ્યક્તિને હટાવવાના પ્રયાસમાં હું બીજી જુઠ્ઠા આદમીમાં ફસાય ગયો હતો. આપ ભાજપની જ બી-ટીમ છે. તેની એકપણ વાત સાચી નથી. અરવિંદ કેજરીવાલ ઇમાનદાર નહી પરંતુ ભ્રષ્ટાચારી છે. તેઓ કટ્ટર રાષ્ટ્રવાદી હોવાની વાતો કરે છે. વાસ્તવમાં તે દેશ વિરોધી છે. મારાથી ભૂલ થઇ ગઇ હતી. હું રાહુલ ગાંધી અને કોંગ્રેસને માફી માંગુ છું.