મુળ ચોટીલાનાં અને હાલ મોરબી રોડ પર રહેતા બે દેવીપૂજક શખ્સો સિકયોરીટી ગાર્ડને ચકમો આપી ત્રીજા માળેથી છનન
શહેરમાં ૭ જેટલા મકાન અને કારખાનામાં ચોરી કરનાર મુળ ચોટીલાના અને હાલ મોરબી રોડ પર રહેતા બંને દેવીપૂજક શખ્સોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા હતા જયાં સિકયોરીટી ગાર્ડની ટીમને ચકમો આપી બંને શખ્સો ત્રીજા માળેથી છનન થઈ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી અને બંને રીઢા તસ્કરો કોરોના પોઝીટીવ હોય અને બીજાને ચેપ લગાડશે તેવા ભયથી લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ કુવાડવાનાં માલિયાસણ ગામ પાસેથી કુવાડવા પોલીસે મુળ ચોટીલાના અને હાલ મોરબી રોડ પર રહેતા હરસુખ ઉર્ફે પોપટ શંભુભાઈ વાઘેલીયા (ઉ.વ.૩૦) અને વિક્રમ ઉર્ફે વિકીડો મસાભાઈ વાઘેલા (ઉ.વ.૨૫)ની ધરપકડ કરી ૭ મકાન અને કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. બંને આરોપીની ધરપકડ દેખાડવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં બંને રીઢા તસ્કરોનો રીપોર્ટ પોઝીટીવ આવતા કોવિડ-૧૯ બિલ્ડીંગનાં આઈસોલેશન વોર્ડમાં રખાયા હતા જયાં વહેલી સવારે સિકયોરીટી ગાર્ડની ટીમને ચકમો આપી નાસી છુટતા આરોગ્યતંત્રમાં સૌપ્રથમ દોડધામ મચી જવા પામી હતી. બંને તસ્કરો હાથ નહીં લાગતા અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કંટ્રોલરૂમમાંથી બંને રીઢા તસ્કરોને ઝડપી પાડવા માટે નાકાબંધી સહિત પોલીસની ગાડીઓ દોડાવવામાં આવી હતી. બંને પોઝીટીવ દર્દીઓ કેટલાક લોકોને કોરોના સંક્રમણ ફેલાવશે તે હવે જોવાનું રહ્યું તો બીજી બાજુ કોવિડ-૧૯ બિલ્ડીંગનાં સિકયોરીટી ગાર્ડ સામે પણ તકેદારી અંગેના સવાલો ઉઠવા પામ્યા છે.