અંકલેશ્વરમાં સુપ્રિટેન્ડેન્ટ અને આસિસ્ટન્ટ કમિશ્નર 75 હજારની લાંચ લેતા ઝડપાયા
વાઘેલા ઘણા સમયથી ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારતમાં આવકવેરા વિભાગ અને જીએસટી સતત કાર્યશીલ રહ્યું છે અને અનેકવિધ રીતે બેનામી વ્યવહારો પણ સામે આવ્યા છે પરંતુ હાલ ગુજરાત એટીએસ અને સેન્ટ્રલ જીએસટી દ્વારા ગુજરાત રાજ્યમાં સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતું. જેમાં ચોંકાવનારી વાત એ છે કે અંકલેશ્વર ખાતે સેન્ટ્રલ જીએસટીના બે ઉચ્ચ અધિકારીઓ વ્યાપારીઓ પાસેથી લાંચ લેતા ઝડપાયા છે જેનાથી સમગ્ર જીએસટી વિભાગ હચમચી ઉઠ્યું છે.
મોડાસાથી વાપી સુધી માલ સામાનની હેરાફેરી કરવા માટે અંકલેશ્વરના જીએસટી અધિકારી દ્વારા દર મહિને દોઢ લાખની લાંચની માંગણી કરી હતી જે અંગેની ફરિયાદ ગાંધીનગર સીબીઆઈમાં નોંધવાઇ હતી. ફરિયાદના પગલે સીબીઆઈએ છટકું ગોઠવી જીએસટીના અધિક્ષક દિનેશ કુમાર અને મદદનીશ કમિશનર યશવંત કુમાર માલવિયાની ધરપકડ કરી હતી અને તેમના નિવસ્થાન ઉપર સર્ચની કામગીરી હાથ ધરી હતી. જે કાર્યવાહીમાં રૂ.1.97 લાખની રોકડ મળી હતી. બન્ને અધિકારીઓને અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જીએસટીના અધિકારી દિનેશકુમાર દ્વારા માંગવામાં આવેલ લાંચનુ મોબાઈલમાં રેકોડિંગ કરીને સીબીઆઈને આપ્યુ હતુ. જેમાં અંકલેશ્વર પાસે માલ સામાન સાથે પકડેલી ટ્રક છોડવા માટે રૂ.12 લાખની લાંચ આપવામાં આવી હોવાનો રેકોડીંગમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આમ જીએસટીના અધિકારી અને ફરિયાદી વચ્ચે મોબાઈલ ઉપર થયેલી વાતચીતનું રેકોડીંગ સાથે સીબીઆઈને લેખિત ફરિયાદ આપી હતી.જેના આધારે ગાંધીનગર સીબીઆઈએ ફરિયાદની ફરિયાદ અને મોબાઈલ ઉપર બન્ને વચ્ચે થયેલી વાતચીતનું રેકોડીંગની ખરાઈ કરાવી હતી. ત્યારબાદ સીબીઆઈએ જીએસટીના અધિક્ષક દિનેશકુમાર અને મદદનીશ કમિશનર યસવંત કુમાર માલવિયાના ઘરે તપાસ કરતા 1.97 લાખ રોકડા મળી આવ્યા હતા. બન્ને અધિકારીઓને અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. ત્યારે આવનારા સમયમાં હજુ પણ જીએસટી વિભાગ દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરાશે અને આ પ્રકારના કાર્યોમાં સંડોવાયેલા અધિકારીઓ ઉપર પણ બાઝ નજર રખાશે.