આંતરિક લડાઈમાં હોસ્પિટલ માટે મળનારી કરોડોની ગ્રાન્ટ ગુમાવવી પડે તેવી દહેશત

હાલમાં કેશોદ શહેરને મળનારી પેટા જીલ્લા કક્ષાની હોસ્પિટલની મંજુરી આખરી તબકકામાં હોય ત્યારે જશ ખાટવા ભાજપના જ બે જુથ તથા વ્યાપારી મહામંડળ મેદાને ઉતર્યા છે ત્યારે જશ ખાટવાની દોડમાં અને ભાજપાના જ બે જુથ વચ્ચેની તાણખેંચમાં કેશોદની પેટા જીલ્લાકક્ષાની હોસ્પિટલની મળનારી કરોડો રૂપિયાની સુવિધા અદ્ધરતાલ છે તે ગુમાવવી ન પડે તે પણ વિચારવા લાયક બાબત છે.

કેશોદમાં પેટા જીલ્લા કક્ષાની હોસ્પિટલની રજુઆતો બાબતે સૌપ્રથમ પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ તા.૧/૨/૨૦૧૪ના રોજ નીતિનભાઈ પટેલ મંત્રી આરોગ્ય વિભાગને લેખિતમાં રજુઆત કરી હતી. જેથી મોટી સંખ્યામાં કેશોદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય રેફરલ હોસ્પિટલ થવા છતાં પુરી બેડની વ્યવસ્થા ન હોય પુરતો સ્ટાફ ન હોય અને ખાસ કરીને આ બધી સગવડતાઓ માટે પુરી બિલ્ડીંગની વ્યવસ્થા ન હોય જેથી કરીને કેશોદમાં આવતા દર્દીઓને પારાવાર મુશ્કેલી ભોગવવી પડતી હોય છે.

ત્યારબાદ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ ફરીથી તા.૨૮/૬/૨૦૧૪નાં વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવા ભાવનગરને લેખિતમાં રજુઆત કરી જણાવ્યું હતું કે, સરકારમાં જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં નવું સીએચસી સેન્ટરનું નવું બિલ્ડીંગ બનાવવા માટે રજુઆત કરેલ છે. જેના અનુસંધાને સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી તાત્કાલિક કરી કેશોદ સીએચસી સેન્ટરને યોગ્ય સગવડતાવાળું બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી ત્યારબાદ તા.૧૫/૩/૨૦૧૫ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સચિવાલય ગાંધીનગર મુખ્ય સચિવ પુનમચંદ પરમાર દ્વારા ધારાસભ્ય પૂર્વ અરવિંદભાઈ લાડાણીને પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી કે આપની રજુઆતને સરકારે નોંધ લીધેલ છે અને થયેલ રજુઆતને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીને તા.૭/૧૦/૨૦૧૭ના રોજ પત્ર દ્વારા જણાવાયું હતું.

ત્યારબાદ હાલના ધારાસભ્ય દેવાભાઈ માલમને આ બાબતે ટેલીફોનથી સંપર્ક સાધતા પુછવામાં આવેલ કે, કેશોદની પેટા જીલ્લાકક્ષાની હોસ્પિટલ મંજુર કરવા સરકારમાં કયારે કેટલી વખત રજુઆત કરી છે. જવાબમાં હાલના ધારાસભ્ય દેવાભાઈ માલમે જણાવ્યું હતું કે, બે ચાર વખત રજુઆત કરી છે. એનો મતલબ એવો પણ માની શકાય કે લેખીત રજુઆત કરવામાં આવી નહીં હોય ? જો લેખિત રજુઆત કરવામાં આવી હોય તો મીડિયાને વિગતવાર રજુઆતની તારીખો સાથે કેમ માહિતી આપવામાં આવી નથી. હાલના ધારાસભ્ય દેવાભાઈ માલમે મીડીયાને ટેલીફોનિક સંપર્કમાં જણાવ્યું હતું કે, એજન્સી ફિકસ થતી ન હતી. વર્ક ઓર્ડર પણ ટુંક સમયમાં આવી જશે. રાજકોટની એજન્સીને કામ પણ અપાઈ ગયું છે. ૨૦ ટકા ડાઉનમાં કામ રાખેલ છે ટુંક સમયમાં કામ શરૂ થશે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા કેશોદના હાલના ધારાસભ્ય દેવાભાઈ માલમને પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. જેમાં જણાવેલ છે કે રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કેશોદ ખાતે નવી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ૭૫ બેડની સાત કરોડ ત્રીસ લાખ તેતાલીસ હજાર છસ્સો બે ના ખર્ચે મંજુર કરવામાં આવી છે. આ અંગેની કામગીરી પીઆઈયુ (આરોગ્ય) દ્વારા ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે તેવું તા.૧૨/૨/૨૦૧૯ના પત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. કેશોદના વ્યાપારી મહામંડળ દ્વારા તા.૩૦/૧/૨૦૧૯ના રોજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે, સામુહિક આરોગ્ય કેન્દ્ર કેશોદને ૭૫ બેડની સુવિધા ધરાવતી પેટા જીલ્લા કક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ થયેલ હોસ્પિટલનું બાંધકામ શરૂ કરવા બાબત રજુઆત કરી હતી.

જેમાં જણાવેલ કે પેટા જીલ્લાકક્ષાની હોસ્પિટલમાં અપગ્રેડ કરી હયાત મકાનનું વિસ્તરણ કરવા મંજુરી આપવામાં આવેલ છે. તેમજ મંજુર થયેલ હોસ્પિટલ માટેના બાંધકામની ટેન્ડરની કામગીરી પૂર્ણ થયેલ છે જે ૭૫ બેડની હોસ્પિટલનું બાંધકામ જલ્દીથી જલ્દી શરૂ કરવામાં આવે તેવી લેખિત રજુઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદમાં પેટા જીલ્લા કક્ષાની હોસ્પિટલની સુવિધા માટે અરવિંદભાઈ લાડાણીએ પાંચ વર્ષ પહેલા લેખિતમાં રજુઆત કરી હતી. નીતિનભાઈ પટેલને અરવિંદભાઈ લાડાણી તથા કેશોદના ભાજપના આગેવાનોએ રૂબરૂ મળી રજુઆત કરી હતી. ત્યારબાદ હાલના ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા ભાજપના આગેવાનો સાથે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રૂબરૂ મળી રજુઆત કરી હતી તેવા ફોટાઓ લોકોને શેર કરવામાં આવી રહ્યા છે જે ખરેખર હોસ્પિટલ બાબતની રજુઆત કરવા ગયેલ હશે તે બાબત પણ શંકાસ્પદ છે. તેમજ વ્યાપારી મહામંડળ દ્વારા તા.૩૦/૧/૨૦૧૯ના રોજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલને લેખીતમાં રજુઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.