સસરા-જમાઇએ ભાવનગર પંથકમાં અનેક ચોરી કર્યા બાદ ગોંડલ, જેતપુર, શાપર અને રાજકોટમાં ચોરી કર્યાની કબૂલાત: ૫૪ મોબાઇલ, સોનાના ઘરેણા મળી રૂ.૩.૪૬ લાખનો મુદામાલ કબ્જે
ગોંડલ નજીકથી બે રીઢા તસ્કરને એલસીબી સ્ટાફે ઝડપી પૂછપરછ કરતા બંનેએ રાજકોટ, ગોંડલ, જેતપુર અને શાપરમાં દસ જેટલા સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે સસરા-જમાઇ પાસેથી રૂ.૩.૪૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
મુળ ભાવનગરના અને છેલ્લા કેટલાક સમયથી ગોંડલ રહેતા મનસુખ ઉર્ફે રમેશ નરશી પરમાર અને કોડીનારના સિંધાજ ગામના તેના જમાઇ રાજેશ બાબુ પરમાર નામના શખ્સોને એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. જે.એમ.ચાવડા, પી.એસ.આઇ. એચ.એ.જાડેજા, મહેશભાઇ જાની, બાલ કૃષ્ણ ત્રિવેદી રહિમભાઇ દલ અને રાયધનભાઇ ડાંગર સહિતના સ્ટાફે ગોંડલ પાસેથી ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લીધા હતા.
બંને શખ્સોની પૂછપરછ દરમિયાન જીઆઇડી વિસ્તારના મજુરના ઝુપડામાં ઘુસી મોબાઇલ અને રોકડ રકમની ચોરી કરતા હોવાની કબૂલાત આપી છે. બંને તસ્કરો સસરા-જમાઇ થતા હોય બંનેએ સાથે મળી રાજકોટ, ગોંડલ, જેતપુર અને શાપરમાં દસ જેટલા સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી છે.
મનસુખ પરમાર અને તેના જમાઇ રાજેશ પરમાર પાસેથી પોલીસે સોનાના ઘરેણા, રૂ.૧.૭૦ લાખ રોકડા અને ૫૪ મોબાઇલ મળી રૂ.૩.૪૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. મનસુખ પરમાર સામે ભાવનગર પંથકની અનેક ચોરીમાં પકડાતા છેલ્લા કેટલાક સમયથી ગોંડલ રહેવા આવ્યા હોવાથી ભાવનગર કોર્ટના વોરન્ટની બજવણી થઇ શકી ન હોવાનું જાણવા મળે છે.