સમગ્ર રાજયમાં ૩૨ જેટલા વેપારીઓની નજર ચુકવી રોકડની ઉઠાંતરી કર્યાની કબુલાત: બે સાગરીતની શોધખોળ
સમગ્ર રાજયના જુદા જુદા શહેરોમાં વેપારીઓ પાસે ગ્રાહકના સ્વાંગમાં જઇ કાઉન્ટરના ખાનામાંથી રોકડ રકમ સેરવી લેતા બે રીઢા તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે જામનગર રોડ પરના નવા રીંગ રોડ પરથી ઝડપી લીધા છે. જામનગરના બંને રીઢા તસ્કરોએ પોતાના બે સાગરીતો સાથે ૩૨ જેટલા વેપારીની નજર ચુકવી ચોરી કર્યાની કબુલાત આપી છે. પોલીસે બંને તસ્કરો પાસેથી અલ્ટ્રોકાર અને રૂ૧.૫૦ લાખ રોકડા કબ્જે કર્યા છે.
જામનગરના ખોજા ચકલા પાસે રહેતા રિઝવાન ઉર્ફે બાજીગર ઉર્ફે રિયાઝ અયુબ વહેવાળીયા (ડોયકી) નામના મેમણ શખ્સ અને જામનગરના સેતાના ડેલા પાસે રહેતા રિઝવાન ઉર્ફે દાણી મહંમદ કોરેજા નામના શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. મહાવીરસિંહ જાડેજા, એ.એસ.આઇ. યોગેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, ફિરોજ શેખ, કુલદીપસિંહ જાડેજા અને પ્રતાપસિંહ ઝાલા સહિતના સ્ટાફે આઇ-વે પ્રોજેકટના આધારે અગાઉ મેળવેલા સીસીટીવી ફુટેજના આધારે જામનગર રોડ પરના નવા રીંગ રોડ પરથી ઝડપી લીધા હતા.
રિઝવાન ઉર્ફે બાજીગર અને રિઝવાન ઉર્ફે દાણીની પૂછપરછ દરમિયાન તેઓએ જામનગરના કાદર મજીદ બાજરીયા અને આફ્રિદી કાદર માડકીયા નામના શખ્સોની સાથે મળી રાજકોટના રૈયા રોડ, ઇન્દિરા સર્કલ, રૈયાધાર, મોરબી રોડ જકાત નાકા, સંત કબીર, રૈયા ચોકડી, મવડી રોડ, પુનિતનગર, કોઠારિયા રોડ ફાયર બ્રિગેડ, રણુજા મંદિર પાસે, ભાવનગર રોડ ફાયર બિગ્રેડ પાસે, ઢેબર રોડ, કુવાડવા રોડ, આર.ટી.ઓ. પાસે, કેશરે હિન્દ પુલ પાસે, લીંબડી, સરધાર, તળાજા, ગોંડલ, જેતપુર, ચોટીલા, સાયલા, બાવળા, ચીલોળા અને દેહગામના વેપારીઓની નજર ચુકવી રૂ૧૩.૬૦ લાખની ચોરી કર્યાની કબુલાત આપી છે. રિઝવાન ઉર્ફે બાજીગર સામે અમદાવાદ, કચ્છ, ખંભાળીયા, ભાણવડ, રાણાવાવ અને જામનગરમાં ચોરી અને લૂંટના ગુનામાં પકડાયો છે. જયારે રિઝવાના ઉર્ફે દાણી સામે જામનગરમાં દારૂ, ચોરી અને મારામારીના ગુના નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.