બેકાબુ બનેલી કાર ચેક પોસ્ટમાં ઘુસી જતા સર્જાયો જીવલેણ અકસ્માત ચાલક વિરૂધ્ધ નોંધાતો ગુનો
જુનાગઢ નજીક સાંકળી ચેક પોસ્ટ ખાતે એક બેકાબુ બનેલી કાર ચેકપોસ્ટમાં ઘૂસી જતા ફરજ પરના જી.આર.ડી જવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે એક જી.આર.ડી જવાનને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ જતા અકસ્માત સર્જનાર કાર ચાલક સામે જુનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
જુનાગઢ તાલુકાના ચોકી ગામ નજીક સાંકડી ધાર પાસે જુનાગઢ પોલીસ દ્વારા એક ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે, અને વાહનોની સ્પીડ ધીમી થાય તે માટે બેરીકેટ પણ મારવામાં આવ્યું છે. ત્યારે શનિવારની રાત્રીના આ ચેક પોસ્ટ ઉપર જીઆરડી તરીકે નોકરી કરતા કાથરોટા ગામના જયેશભાઈ હરિભાઈ ચૌહાણ અને તેની સાથે કાંતિલાલ ઉર્ફે કાનાભાઈ ડાયાભાઈ દેગડા ફરજ પર હતા તે દરમિયાન રાત્રિના 10 વાગ્યાના અરસામાં જેતપુર તરફથી આઈ 20 કાર નંબર જીજે 18 બીએચ 7 નંબરના કાર ચાલકે પૂર ઝડપે પોતાની કાર ચલાવી, બેરીકેટ ઉડાવી દેતા, કાર ચેક પોસ્ટમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે ફરજ પરના બંને જી આર ડી જવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
ચેક પોસ્ટ ઉપરના જીઆરડી જવાન તથા તાલુકા પોલીસ સ્ટેશનની પી.સી.આર. વાન સ્થળ પર તાત્કાલિક પહોંચી હતી. અને ઈજા ગ્રસ્ત બંને જી.આર.ડી. જવાનોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે કાંતિભાઈ ઉર્ફે કાનાભાઈ ડાયાભાઈ દેગડાને મૃત જાહેર કર્યા હતા. ત્યારે જયેશભાઈ ચૌહાણને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.
આ અંગે જયેશભાઈ ચૌહાણ એ અકસ્માત સર્જનાર કાર ચાલક સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી જીઆરડી જવાનનું મોત સર્જનાર કાર ચાલકની શોધખોળ જારી કરી છે.