21મી સદીના કમ્પ્યુટર અને ડિઝીટલ યુગમાં પણ 18મી સદીની પ્રતિતિ થાય તેવી અંધ શ્રધ્ધાની શરમજનક ઘટના બાબરા ખાતે પ્રકાશમાં આવી છે. જુદા જુદા પરિવાર દ્વારા રમેશ ભુવાના મેલડી માતાજીની માનતાના કારણે સંતાન પ્રાપ્તી અને રોગ મુક્ત થતા કાળી ચૌદશની રાતે બકરાની બલી ચલાવતા ચાર પાખંડી ભુવાને બાબરા પોલીસ અને વિજ્ઞાન જાથા દ્વારા ઝડપી લીધા છે. ચારેય ભૂવાએ બે નિદોર્ષ પશુને વધેરી પ્રસાદ કરી નાખ્યો હતો અને અન્ય 11 બકરાનો વધ કરવામાં આવે તે પહેલાં 11 અબોલ પશુનો જીવ બચાવવામાં આવ્યો છે.
રોગ મટાડવા અને સંતાન પ્રાપ્તી માટે કાળી ચૌદશે જુદા જુદા પરિવાર દ્વારા પશુ બલી ચડાવવા એક સાથે 13 બકરાનો વધ કરી પ્રસાદ કરવાની માનતા કરી તી
બાબરા પોલીસ અને વિજ્ઞાન જાથાએ મોડીરાતે દરોડો પાડતા અંધ શ્રધ્ધા ધરાવતા પરિવારમાં નાસભાગ: 11 બકરાને બચાવી લીધા
બાબરા પોલીસ સ્ટેશન પાછળ જ રહેતા અને ઘરે મેલડી માતાજીનું મંદિર બનાવી દસેક વર્ષથી દાણા જોવાનું કામ કરતા રમેશ વાડોદરા નામના ભુવાએ અનિલ ભુવા, અજય ભુવા અને વિનુ ભુવાની મદદથી ગઇકાલે રાત્રે 12 વાગે કાળી ચૌદશ શરુ થતાની સાથે જ બે બકરાનો વધ કરી માતાજીને બલી ચલાવવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.
રમેશ વાડોદરાએ પોતાના ઘરે બનાવવામાં આવેલા મેલડી માતાજીના મંદિરે રોગ મુક્તિ અને સંતાન પ્રાપ્ત માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે તેઓને ખોટો ભ્રમ ઉભો કરી અંધ શ્રધ્ધાની ખોટી વાતો અને વહેમમાં નાખી માતાજીને પસંદ કરવા માટે બકરાની બલી ચલાવવાની માનતા કરવાનું કહેતો હોવાનું અને અંધ શ્રધ્ધામાં ફસાયેલાઓને કાળી ચૌદશની રાતે બકરાની બલી ચડાવવા બકરા મગાવ્યા હોવાની વિજ્ઞાન જાથાના જયંત પંડયાના ધ્યાને આવતા તેઓ પોતાની ટીમના અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, વિનુભાઇ લોદરીયા, ભભલુભાઇ ધાધલ અને મનિષભાઇ ઘુઘલે અમરેલી જિલ્લા પોલીસ વડાનું આ અંગે ધ્યાન દોરી પોલીસ બંદોબસ્ત માગી પશુ બલી અટકાવવા કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.અમરેલી જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક બાબરા પોલીસ મથકના પીએસઆઇને જાણ કરી પશુ બલીની ઘટના અટકાવવા જાણ કરી હતી. બાબરા પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમે બાબરા પોલીસ મથકની પાછળ રહેતા મેલડી માતાજીના ભુવા રમેશ વાડોદરાના ઘરે મોડીરાતે દરોડો પાડયો હતો.
પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમ રમેશ ભુવાના મેલડી માતાજીના મંદિરે પહોચે તે પહેલાં અન્ય ત્રણ ભુવાની મદદથી બે બકરાનો વધ કરી બલી ચલાવી પ્રસાદ કરી નાખી હતી. પોલીસને જોઇને અંધ શ્રધ્ધાના કારણે પશુ બલી ચલાવવાની માનતા કરનાર મોટી સંખ્યામાં પ્રસાદ માટે આવલા શખ્સોમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે ચારેય ભૂવાની પશુ પ્રત્યે ઘાતકી પણા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
અન્ય 11 પરિવાર દ્વારા બકરાની બલી ચલાવવાની માનતા પુરી કરે તે પહેલાં પોલીસની કાર્યવાહીથી 11 બકરાનો જીવ બચી ગયો છે. ચારેય ભુવાએ વિજ્ઞાન જાથા અને પોલીસ સમક્ષ હવે પછી કયારેય પશુ બલી નહી ચડાવે તેવી કબુલાત આપી છે.