ફેશબુકના માધ્યમથી પરિચયમાં આવેલા પરિણીત યુવક એકાંત માણવા જતા ફસાયો: ત્રણ યુવતી સહિત છ શખ્સોએ અશ્ર્લિલ ફાટા પાડી ૧૦ લાખ માગ્યા: ધાક ધમકી દઇ બાઇક, મોબાઇલ અને રોકડ પડાવી લીધા

શહેરના મવડી ચોકડી પાસે રાજ રેસિડેન્સીમાં રહેતા અને ગોંડલ રોડ પર કોપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વી.એમ.એન્ટર પ્રાઇઝ નામનું કારખાનું ધરાવતા પરિણીત યુવક ફેશબુકના માધ્યમથી યુવતીના પરિચયમાં આવ્યા બાદ યુવતીને મળવા ગયેલા રંગીન મિજાજી કારખાનેદાર યુવકને ફસાવી ત્રણ યુવતી સહિત છ શખ્સોએ અશ્ર્લિલ ફોટા પાડી પોલીસમાં ફરિયાદ ન કરવાના બદલામાં રૂ.૧૦ લાખની માગણી કરી બળજબરીથી બાઇક, મોબાઇલ અને રૂ.૧૦ હજાર પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ગાંધીગ્રામ પોલીસે બે યુવતીની ધરપકડ કરી તેના સાગરીતોની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આર્શિવાદ હોસ્પિટલ પાછળ રાજ રેસિડન્સીમાં બ્લોક નંબર ૫૩માં રહેતા ગીરીશભાઇ પરસોતમભાઇ ભૂત નામના ૩૭ વર્ષના પટેલ યુવાને જાનવી આહિર, કુલદીપ, ગીતા, રસીલા, કેતન અને એક અજાણ્યા શખ્સે અશ્ર્લિલ ફોટા પાડી બ્લેક મેઇલીંગ કરી ‚રૂ.૧૦ લાખ માગ્યા બાદ પોલીસમાં ફરિયાદ ન કરવાના બદલામાં રૂ.૨ લાખની માગણી કર્યા અંગેની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ગીરીશભાઇ ભૂતના ફેશબુક એકાઉન્ટમાં છ માસ પહેલાં જાનવી આહિરની ફેન્ડ બનાવવા રિકવેસ્ટ આવતા તે સ્વીકાર્યા બાદ બંને પરિચયમાં આવતા બંનેએ સામસામે મોબાઇલ નંબર આપ્યા બાદ બંને અવાર નવાર મોબાઇલમાં વાતચીત કરતા હતા.

બે માસ પહેલાં જાનવી આહિરે કાલાવડ રોડ પર આવેલા રાણી ટાવર પાસે મળવા બોલાવી પોતાને ફી ભરવા માટે રૂ.૩ હજારની મદદ કરવાનું જણાવતા તેને રૂ.૩ હજાર આપ્યા હતા. ત્યાર બાદ બંને હનુમાન મઢી ચોક અને સ્ટલીંગ હોસ્પિટલ પાસે મળતા હતા.

ગઇકાલે સવારે નવેક વાગે જાનવી આહિરે ફોન કરી સ્ટલીંગ હોસ્પિટલ પાસે મળવા બોલાવ્યા બાદ બંનેએ એકાંતમાં વાત કરવાનું કહેતા જાનવી આહિરનું એક્ટિવા સ્ટલીંગ હોસ્પિટલ પાસે રાખી ગીરીશ ભૂત પોતાના બાઇક પર જામનગર રોડ પર નાગેશ્ર્વરમાં રહેતી પોતાની પરિચીત અવનીબેન મોચીના ફલેટે લઇ ગયો હતો. ત્યાંથી બંને પરત આવતા હતા ત્યારે જામનગર રોડ પર ના ખૂણા પાસે ત્રણ બાઇક પર ત્રણ યુવક અને બે યુવતીઓ આવી ‘તે જાનવી પર બળાત્કાર ગુજાર્યો છે, તારી સામે પોલીસમાં ફરિયાદ કરવી છે’ માર મારી કેતન નામના યુવકના બાઇક પાછળ બેસાડી નવા રીંગ રોડ પર અવાવ‚ જગ્યાએ લઇ જઇ જાનવી પર બળજબરીથી બળાત્કાર ગુજારવાનું કહી તેના ફોટા અને વીડિયો રેકેડીંગ કરી બ્લેક મેઇલીંગ કરવાનું શરૂ કર્યુ હતી અને રૂ.૧૦ લાખની માગણી કરી કેતન અને તેની સાથેનો અજાણ્યો શખ્સ ગીરીશ ભૂતને લઇ બેડીથી ખોરાણા તરફ જતા માર્ગ પર લઇ ગયા હતા અને જાનવી આહિર, કુલદીપ, ગીતા અને રસીલા જતા રહ્યા હતા. બંને શખ્સોને આજીજી કરતા અંતે રૂ.૨ લાખ આપવાનું અને એક લાખ તાત્કાલિક આપે ત્યાર બાદ મોબાઇલ, બાઇક અને આધાર કાર્ડ આપશે તેમ કહી ખિસ્સામાંથી રૂ.૮ હજાર કાઢી બે ચેકમાં સહી કરાવી લીધા બાદ રૂ.૧૦૦ રિક્ષા ભાડુ અને મોબાઇલ પાછો આપી જવા દીધો હતો.

ગીરીશ ભૂતે પોતાના ભાઇ શૈલેષને ફોન કરી એક લાખની તાત્કાલિક વ્યવસ્થા કરવાનું અને પોતાનું અપહરણ થયાની વાત કરી બીગ બજાર પાસે મળવા બોલાવ્યો હતો.

શૈલેષે પોતાના પરિચીત હસમુખભાઇ, સાગરભાઇ સભાયા અને રાજુભાઇ રામોલીયાને સાથે લઇ ગાંધીગ્રામ પોલીસ મથકે પોતાના ભાઇનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. વી.સી.પરમાર સહિતના સ્ટાફે કે.કે.ચોક પાસે છટકુ ગોઠવી એક લાખ લેવા માટે ગીરીશ ભૂતનું બાઇક લઇને આવેલી ગીતા અમને રસીલાને ઝડપી લીધા હતા.

ગીતા અને રસીલા સાથે સંડોવાયેલી જાનવી, તેનો મંગેતર કુલદીપ, કેતન અને અજાણ્યા શખ્સને ઝડપી લેવા પોલીસે તપાસ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.