રાત્રીના કર્મચારીઓ કામ કરતા હોવા છતાં તિજોરી તોડી બુકાનીધારીઓ કળા કરી ગયા: સીસીટીવીમાં કેદ
રાજકોટની ભાગોળે મેટોડામાં આવેલી ડેરીમાંથી મધરાતે બે ગઠિયાઓ ઓફિસમાં ઘુસી તિજોરી તોડી રોકડા રૂા.૫ લાખની ચોરી કરી નાસી ગયા હતા. ડેરીમાં કર્મચારીઓ કામ કરતા હોવા છતાં બંને બુકાનીધારીઓ કળા કરી ગયા હતા. ઓફિસના સીસીટીવીમાં બંને તસ્કરો ચોરી કરતા ઝડપાતા પોલીસે તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેટોડા જીઆઈડીસી ગેઈટ-૧ પાસે આવેલી ગીરીરાજ મિલ્ક પ્રોડકટસ નામની ઓફિસમાં રહેલી તિજોરી તોડી તેમાંથી રોકડા રૂા.૫ લાખ ચોરી થઈ હોવાની ફરિયાદ ડેરીના માલિક વિજયભાઈ મનસુખભાઈ હાસલપરાએ લોધીકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ કે.એ.જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ શુક્રવારે સવારે ડેરીના માલિક ઓફિસે આવતા તિજોરીમાંથી રોકડ ગાયબ થઈ જતા કોઈ ચોર કળા કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઓફિસના સીસીટીવી કેમેરામાં ફુટેજ ચેક કરતા રાતે બે બુકાનીધારીઓ અંદર આવી તિજોરીના નકુચા તોડી તેમાંથી લાખો રૂપિયા તફડાવી નાસતા કેમેરામાં કેદ થયા હતા. મેનેજરે જણાવ્યા મુજબ ડેરીમાં રાત્રી દરમિયાન પણ કર્મચારી કામ કરતા હોય અને સિકયુરીટી ગાર્ડ પણ હાજર હોવા છતાં બેલડી હાથફેરો કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે બે શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.