છેલ્લા ૧૫ દિવસમાં સાત ડોકટરોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો: ડૂબી જવાથી એક અઠવાડિયામાં સાત લોકોના જીવનદીપ બુજાયા

રાજકોટની ભાગોળે આવેલા લોધિકા ગામની ખીરસરા નદીમાં ન્હાવા પડેલા બે ભાવિ તબીબોના ડૂબી જવાથી મોત નિપજતા પરિવારમાં આક્રંદ છવાયો છે. રાજકોટમાં છેલ્લા ૧૫ દિવસમાં સાત-સાત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના આકસ્મિક મોત નિપજ્યા છે. જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં ડૂબી જવાથી રાજકોટ જિલ્લામાં સાત લોકોના જીવનદીપ બુજાયા છે. એક સાથે બે બે યુવાનની અર્થી ઉઠતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ લોધિકા પાછળ આવેલી ખીરસરા નદીમાં ન્હાવા ગયેલા બે પીડિયું મેડિકલ કોલેજના વિદ્યાર્થી માળિયા હાટીના તાલુકાના ઘુમલી ગામના રવિ રાઠોડ અને અમદાવાદના ચિરાગ ડામોરના કરુણ મોત નિપજતા અરેરાટી મચી ગઇ છે. ખીરસરા ગામ નજીક વીશીય ગામની નદીના ચેકડેમમાં બંને યુવાન ન્હાવા પડ્યા હતા. બંનેના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. રાજકોટ ગ્રામ્ય પોલીસને ઘટનાસ્થળેથી બંને યુવાનના કપડા, પાકીટ અને બાઇક મળી આવ્યું છે. પોલીસે બંને યુવાનના પરિવારજનોને જાણ કરી છે. જુવાનજોધ દીકરાના મોતથી બંનેના પરિવારમાં માતમ છવાય ગયો છે. તેમજ પીડીયુ કોલેજમાં શોક વ્યાપી ગયો છે.

ઘટનાની જાણ થતાં પોલીસ અને ગ્રામજનો નદીએ એકઠા થઇ ગયા હતા. બંને મૃતકો પીડિયું મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણ લઈ રહ્યા હતા. પરંતુ બંને યુવાન નદીમાં ન્હાવા પડ્યા અને બંનેએ જીવ ગુમાવ્યો હતો. પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.

રાજકોટ-કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી નજીક થોડા દિવસ પહેલા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં સરકારી બસ અને કાર વચ્ચે અકસ્માત થતા નિશાંત દાવડા, ડો, સિમરન ગિલાની, આદર્શ ગોસ્વામી અને ફોરમ ધ્રાંગધરિયાનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ડો. કૃપાલી ગજ્જર ગંભીર રીતે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. તેનું પણ થોડા દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે મૃતકો પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હતા.

તો બીજી તરફ રાજકોટ જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં પાણીમાં ડૂબી જવાથી ૬ વ્યક્તિના મોત નીપજ્યા છે. ત્રણ દિવસ પહેલા રાજકોટના લોધિકા તાલુકાના કાંગશિયાળી નજીક આવેલા ચેકડેમમાં બપોરના સમયે કપડા ધોવા ગયેલી રસૂલપુરની મહિલાઓ સાથે કરૂણાંતિકા સર્જાઇ હતી અને એક મહિલા કોઇ કારણોસર ચેકડેમમાં ડૂબવા લાગતાં તેને બચાવવા બીજી અને બાદમાં ત્રીજી મહિલા અંદર ખાબકી હતી અને તરતા કોઇને ન આવડતું હોવાથી માતા-પુત્રી સહિત ત્રણના ડૂબી જતાં મોત થયા હતા. જોકે નજીકમાં અન્ય મહિલાઓ પણ કપડા ધોઇ રહી હતી અને બચાવવા પડી હતી, પરંતુ તેઓ સમયસર બહાર નીકળી શકતાં તેમનો બચાવ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.