બાઈક પર કલેક્શન એજન્સીના કામે માળીયા ગયા હતા ત્યારે કાળનો કોળિયો બન્યા: અકસ્માત સર્જી ફરાર ટ્રક ચાલકની શોધખોળ
મોરબી તાલુકાના સોખડા ગામ પાસે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર બે યુવકોના મોત નીપજ્યા હતા. જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થયો હતો. આ અંગેની જાણ થતાં મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ કરી હતી.
વિગતો મુજબ સોખડા ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા જીગ્નેશ સુરેશભાઈ ગાંધી (38) રહે. શિવમ પાર્ક સોસાયટી રૈયા ચોકડી પાસે તેમજ અમિત વિજયભાઈ જોશી (42) રહે અંબા ભુવન ધર્મનગર સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ રૈયા રોડ રાજકોટના બાઈકને પુરપાટ આવતા ટ્રક ચાલકે પાછળથી હડફેટે લેતા બંને યુવાનો બાઇક સહિત રોડ ઉપર ફાંગોળાયા હતા જેના લીધે ત્રણ બહેનોના એકના એક ભાઈ એવા જીગ્નેશ સુરેશભાઈ ગાંધીનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે તેની સાથે રહેલ અમિત વિજયભાઈ જોશીને શરીરે ગંભીર ઈજા થઈ હોય મોરબી સિવિલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટની મધુરમ હોસ્પિટલ ખાતે લઈ જતાં હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજયું હતું આમ મોરબીના માળિયા હાઇવે ઉપર સોખડા ગામ નજીક થયેલ વાહન અકસ્માતના બનાવમાં રાજકોટના બે આશાસ્પદ યુવાનોના મોત નીપજ્યા છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે બને યુવાનો આઈઆઈએસએલ તેમજ કોટક કલેક્શન એજન્સીમાં કામ કરતા હતા અને કામ સબબ તેઓ માળિયા હાઇવે ઉપર આવ્યા હતા ત્યાંથી પરત ફરતા હતા ત્યારે આ ગોજારો અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોધી તેની શોધખોળ હાથધરી છે.