માગરોળ નજીકના જંગલ વિસ્તારમાં શિકાર પર પ્રતિબંધ એવા પશુનો શિકાર કરી મીજબાનીની તૈયારી કરી રહેલા બે પરપ્રાંતિય શખ્સોને વનવિભાગે રંગે હાથ ઝડપી લીધા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ નોળીયો કે અન્ય કોઈ સરિસૃપ પ્રાણીને મારવામાં આવ્યું હોવાનું જણાયું હતું.
વનવિભાગે રૂ.૬૦ હજારનો દંડ વસુલ કયોઁ હોવાનું જાણવા મળેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ:- અત્રેના બારા વિસ્તારના જંગલમાં મોડી સાંજે ગેરકાયદેસર પ્રવેશ કરી શેડયુલ-૩ કે ૪ના પ્રાણીનો શિકાર કરાયો હોવાની ફોરેસ્ટ વિભાગને બાતમી મળી હતી. જેના આધારે આર.એફ.ઓ. દવે, ગાડઁ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જયાં મોહન સોતુ (ઉ.વ.૧૯) અને મીઠાઈ રમુ (ઉ.વ.૩૮) લાકડાનો ભઠ્ઠો કરી નોળીયો કે કોઈ સરિસૃપ જેવા પ્રાણીના શિકારને શેકી રહ્યા હતા.
જો કે તદ્દન ભુંજાય ગયું હોય, કયા પ્રાણીનો શિકાર કરવામાં આવ્યો હતો તે નક્કી કરવાનું મુશ્કેલ હતું. મૃત પશુના સેમ્પલ લઈ પી.એમ. માટે ફોરેન્સિક લેબમાં મોકલાયા છે. વનવિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ૬૦ હજારનો દંડ ફટકારાયો છે. પરંતુ આર.એફ.ઓ. અને ડી.એફ.ઓ. આ અંગે કશું સ્પષ્ટ કહેવા તૈયાર નથી. આર.એફ.ઓ.ના જણાવ્યા મુજબ કેટલો દંડ વસુલાયો છે તે જણાવવા પોતે અધિકૃત અધિકારી નથી. તો ડી.એફ.ઓ. કહે છે કે આનો રિપોર્ટ હજુ મારી પાસે આવ્યો નથી. સ્થાનિક લેવલેથી જ કાયઁવાહી થઈ છે ત્યારે દંડ વસુલાતની રકમ ત્યાંથી જ ખબર પડી શકે.