ગૌરક્ષકની બાતમી આધારે નવસારી રૃરલ પોલીસે વેસ્મા ગામે ટેમ્પો ઝડપી લીધો
નવસારી નજીક વેસ્મા ઓવરબ્રીજ નાકે ને.હા.નં. ૪૮ના સર્વિસ રોડ પરથી પોલીસે ગૌરક્ષકોને મળેલી બાતમી આધારે ટેમ્પોમાં ભરીને અનાવલથી જલાલપોરના ડાભેલ ગામે કતલખાને લઇ જવાતા ત્રણ ગૌવંશને મોતના મુખમાંથી ઉગારી લીધા હતા. પોલીસે ટેમ્પો ડ્રાઇવર સહિત બેની ધરપકડ કરી છે.જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
નવસારીના ગૌરક્ષક સાજન ભરવાડને બાતમી મળી કે, અનાવલ ગામેથી એક છોટાહાથી ટેમ્પો (નં. જીજે-૨૧-વી- ૨૩૨૧)માં ક્રુરતાપૂર્વક ગૌવંશને ભરીને જલાલપોરના ડાભેલ ગામે કતલખાને લઇ જનાર છે. જે અંગે નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરતા પી.એસ.આઇ. એમ.એ. વાડા અને ટીમે વેસ્મા ગામે એકતાનગર ને.હા.નં. ૪૮ સર્વિસરોડ ઉપર વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે અટકાવી તપાસ કરતા બે ગાયો અને એક વાછરડું ઘાસચારો પાણીની સુવિધા વિના મળી આવ્યા હતા. પોલીસે ટેમ્પો ડ્રાઇવર પિયુષ ભગુભાઇ પટેલ (રહે. કુંભાર ફળિયા, નાયકીવાડ, તા.જી. નવસારી) અને ગૌવંશ ભરાવનાર રમેશ ભગુભાઇ હળપતિ (રહે. સમળી ફળિયા, નાગધરા ગામ, તા.જી. નવસારી)ની ધરપકડ કરી હતી.
ગૌવંશ અંગે પૂછપરછ કરતા ડાભેલ ગામે ગોરા મહોલ્લામાં રહેતા અહમદ ખાલેક ગોરા (વાઝા)એ મંગાવ્યા હોવાની કબુલાત કરી હતી. આમ ગૌરક્ષકો અને પોલીસે ત્રણ ગૌવંશને મોતના મુખમાંથી ઉગારી લીધા હતા. પોલીસે ડાભેલના અહમદ ગોરાને વોન્ટેડ જાહેર કર્યો હતો.