વિજીલન્સના ચેકીંગમાં કવાર્ટરના તાળા તોડી રહેણાંક શરૂ કર્યુ બે મહિલા સહિત ચારની ધરપકડ
શહેરમાં ખુલ્લા પ્લોટમાં ઘુસણખોરી કરી ગેર કાયદે કબ્જો કરવાની ઘટના અવાર નવાર પ્રકાશમાં આવે છે. ત્યારે કોર્પોરેશન દ્વારા કુવાડવા રોડ પર બનાવવામાં આવેલા આવાસ યોજનાના બે કવાર્ટરના તાળા તોડી બે પરિવાર ગેર કાયદે રહેણાંક શરૂ કર્યાનું કોર્પોરેશન વિઝીલન્સ સ્કવોર્ડના ધ્યાને આવતા બંને પરિવાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે બે મહિલા સહિત ચારની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોર્પોરેશન દ્વારા કુવાડવા રોડ પર બનાવવામાં આવેલા આવાસ યોજનાના કવાર્ટરનું વિઝીલન્સ સ્કવોર્ડ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું ત્યારે બ્લોક નંબર ૧૬ના કવાર્ટર નંબર ૨૫૯૩ અને ૨૫૯૪ કોઇને ફાળવવામાં આવ્યા ન હોવા છતાં દિનેશ જયંતી તન્ના અને ઇમરાન ઉમર દલનો પરિવાર રહેતો હોવાનું ધ્યાને આવ્યું હતું.
દિનેશ તન્ના અને ઇમરાન દલ પાસે કવાર્ટર ફાળવવા અંગેના આધાર પુરાવા માગવામાં આવતા તેઓએ બંને કવાર્ટરના તાળા તોડી રહેણાંક શરૂ કર્યાની કબુલાત આપતા કોર્પોરેશન વિઝીલન્સ સ્કવોર્ડના ઇન્સ્પેકટર કિરીટકુમાર જ્યંતીભાઇ કોટડીયાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. પી.બી.જેબલીયા સહિતના સ્ટાફે કોર્પોરેશનના કવાર્ટરમાં ગેર કાયદે કબ્જો કરનાર દિનેશ ધીરજલાલ તન્ના, તેની પત્ની ધમિષ્ઠાબેન તન્ના, ઇમરાન ઉમર દલ અને તેની પત્ની રજીયાબેન ઇમરાન દલની ધરપકડ કરી છે.