ઈરાનમાં પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે બુધવારે બે વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 100 લોકોના મોત થયા છે જ્યારે 170 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સુલેમાનીની ચોથી પુણ્યતિથિ પર આયોજિત સમારોહને નિશાન બનાવીને આ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા.
યુએસએ 2020માં પૂર્વ જનરલ કાસિમ સુલેમાની ઉપર ડ્રોન હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો, તેની ચોથી પુણ્યતિથિએ આયોજિત કાર્યક્રમમાં પણ બોમ્બ બ્લાસ્ટ
ઈરાનમાં વિસ્ફોટો કર્માન શહેરમાં સાહેબ અલ-ઝમાન મસ્જિદ પાસે થયા હતા, જ્યાં સુલેમાનીની કબર આવેલી છે અને તેમના મૃત્યુની ચોથી વર્ષગાંઠ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પહેલો વિસ્ફોટ ઈરાનના કર્માન શહેરમાં પૂર્વ ઈરાની આર્મી જનરલ સુલેમાનીની કબર પાસે થયો હતો. જે બાદ બીજો વિસ્ફોટ થયો હતો.કેરમાનના ડેપ્યુટી ગવર્નરે આ વિસ્ફોટોને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઘટનાસ્થળે બે બેગમાં બોમ્બ હતા. આ બોમ્બ રિમોટ કંટ્રોલની મદદથી વિસ્ફોટ કરવામાં આવ્યા હતા તેવું માનવામાં આવી રહ્યું છે.
કરમાનના મેયર સઈદ તબરીજીનું કહેવું છે કે આ બોમ્બ વિસ્ફોટ 10 મિનિટના અંતરાલમાં થયા હતા. વિસ્ફોટ બાદ ભીડમાં જે નાસભાગ મચી છે તે ઘટનાના ઓનલાઈન ફૂટેજમાં જોઈ શકાય છે.કેરમાન પ્રાંતના ઈરાની સાંસદ હુસૈન જલાલીએ કહ્યું કે આ બેવડા વિસ્ફોટ માટે ઈઝરાયેલ ચોક્કસપણે જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ જનરલ સુલેમાની 3 જાન્યુઆરી, 2020 ના રોજ બગદાદ એરપોર્ટ પર યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. સુલેમાની ઈરાનમાં એક શક્તિશાળી વ્યક્તિત્વ હતા. તેઓ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેની પછી દેશના બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવતા હતા.