અમેરિકામાં ચૂંટણીના માહોલની જમાવટ: ટ્રમ્પ માટે મોદી અને ભારતના સંબંધો બનશે ટ્રમ્પકાર્ડ
અમેરિકામાં ચૂંટણી ઝવર ચરમસીમાએ છે ત્યારે આ વખતે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના હરિફ વચ્ચે કાંટે કે ટક્કર જેવી પરિસ્થિતિનું સર્જન થઈ ચૂકયું છે. અર્લી વોટીંગ આગોતરા મતદાનમાં ઈ-મેઈલ દ્વારા થઈ રહેલા વોટીંગમાં ટ્રમ્પના હરીફ બીડનનો ઘોડો આગળ ચાલી રહ્યો છે. જો કે, મતદાનના દિવસે આ કસર પૂરી કરીને ડોનાલ્ડ ટ્રમ્પનું પલ્લુ ભારે થઈ જાય તેવી ધારણા બંધાઈ રહી છે. પરંતુ સરેરાશ જોવા જઈએ તો ડોનાલ્ટ ટ્રમ્પ માટે આ વખતે ચૂંટણીની વેંતરણી પાર કરવી અઘરી પડે તેવું દેખાઈ રહ્યું છે. તેવા સંજોગોમાં ટ્રમ્પ માટે મોદી અને ભારતના સંબંધો ગેમ ચેન્જર બની શકે તેમ છે.
અમેરિકાના રાજકારણમાં મુળ ભારતીય વસ્તી ધરાવતા અનેક રાજ્યોમાં ભારતીયોનું મતદાન પરિણામ બદલનારા ફેકટર તરીકે પ્રભાવી બન્યા છે તેવા સંજોગોમાં અમેરિકામાં છેલ્લી બે ચૂંટણીઓથી ભારતના અમેરિકન નાગરિકોના મતની કિંમત બાજી પલ્ટાવનારી બની રહી છે. તેવા સંજોગોમાં સમગ્ર વિશ્ર્વમાં વસતા ભારતીયોના મનના સરતાજ જેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રભાવનો લાભ લઈને અમેરિકાની ચૂંટણીમાં પણ મોદી મેજીકની ઈફેક્ટ દેખાઈ રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અંકે કરવા ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસો શરૂ થઈ ચૂકયા હોય તેમ ટ્રમ્પના દૂત બનીને અમેરિકન સંરક્ષણ સજીવ માર્ક એસ્પેર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, માઈક પોમ્પીઓ આવતા અઠવાડિયે ભારતની મુલાકાત લેશે.
વોશિંગ્ટન દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે, માઈક પોમ્પીઓ આવતા અઠવાડિયે હિંદ પ્રશાંત મહાસાગરમાં ચીનના વધતા જતાં પ્રભુત્વની સમીક્ષા માટે આવી રહ્યાં છે. ભારત અને અમેરિકા પરસ્પર સંરક્ષણ ક્ષેત્રે સઘન ભાગીદાર છે ત્યારે એન્ટાર્ટીક કાઉન્સીલમાં પોમ્પીઓનું સંબોધન મહત્વનું માનવામાં આવે છે. પોમ્પીઓની આ મુલાકાતને અમેરિકા માટે ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. અમેરિકાના હરીફ ગણાતા રશિયા અને ચીન સામે અમેરિકા પોતાનું જુથ અને બળ વધારવાની દિશામાં ગંભીર બન્યું છે. નવીદિલ્હીની મદદ અમેરિકા માટે આવશ્યક બની છે.
ભારત અને ચીનના સૈન્ય વચ્ચે હિમાલયન વિસ્તારમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતને પીઠબળ પૂરું પાડવા અમેરિકા મેદાનમાં આવ્યું છે. એસ્પરની આ જાહેરાત પૂર્વે ઓસ્ટ્રેલીયાએ પણ મોટાપાયે ભારતીય સમુદ્ર કિનારે મલબાર સૈન્ય કવાયતની અમેરિકા, ભારત અને જાપાન સાથે સહયોગથી લશ્કરી કવાયતની જાહેરાત કરી હતી. જુલાઈ મહિનામાં હવાઈ કવાયત પણ યોજાશે. અમેરિકા અને ભારતે સાયબર સંરક્ષણ વાટાઘાટો પણ શરૂ કરી છે. માર્ક પોમ્પીઓ ભારતના રાજદ્વારી અધિકારી અને સંરક્ષણ નિષ્ણાંતો સાથે વાટાઘાટો કરીને હિંદ પ્રસાંદ મહાસાગરમાં ચીનની હાજરી અંગે ગહન ચર્ચા કરશે. ૨૧મી સદી માટે દેખીતી રીતે ભારત અને અમેરિકાનું આ જોડાણ મજબૂત બનીને ઉભરશે. બીજી તરફ માર્ક પોમ્પીઓની આ મુલાકાતને રાજદ્વારી રીતે પણ ખુબજ મહત્વની એ માટે માનવામાં આવે છે કે, માર્ક પોમ્પીઓની મુલાકાત અમેરિકાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અંકે કરવાની એક આગોતરી કવાયત માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે તેના હરીફ સામે મતની સરસાઈ મેળવવા માટે મુળ ભારતીય નાગરિકોના મતો આવશ્યક બન્યા છે ત્યારે ભારતના સંબંધો અને નરેન્દ્ર મોદીના પ્રભાવના આધારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીની વેંતરણી પાર કરવા માટે તખતો ગોઠવી રહ્યાં હોય તેવુ નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે. મોદી મેકિંગ અને મોદી મેજીંક માત્ર ભારતમાં જ નહીં પણ હવે વૈશ્ર્વિક મંત્ર બની રહ્યું હોવાનું અમેરિકાના રાજકારણમાં દેખાઈ રહ્યું છે. મોદીની દોસ્તી ભારતની સહાનુભુતિનો ટ્રમ્પકાર્ડ ડોનાલ્ડ ટ્રમ્પ માટે કિસ્મત બદલનારો બની રહે તો નવાઈ નહીં.