સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશો આપેલા હોવા છતાં ગાઈડલાઈનનું પાલન થતું નથી ત્યારે આજ રોજ રાજકોટમાં એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં ગટરમાં સફાઈ માટે ઉતરેલા ૨ સફાઈ કર્મીઓ માટે ગટર મોતની ગટર સાબિત થઈ હતી. ગટરમાં સફાઈ માટે ઉતરેલા સફાઈ કર્મીઓને ઝેરી ગેસની અસર થતા મોત નીપજ્ય હતા. ગટરમાં ગૂંગળામણને કારણે બંને સફાઈ કર્મી બેભાન થઇ ઢળી પડતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના શહેરના માવડી ફાયર બ્રિગેડ પાસે સમ્રાટ મેઇન રોડની છે જ્યાં ગોકુલધામ ગેટની સામેના રોડ એસટી વર્કશોપ પાછળના ભાગે ભૂગર્ભ ગટરમાં બે કર્મચારી મેહુલ અને અફઝલ સફાઈ માટે ઉતર્યા હતા ત્યારે અચાનક ઝેરી ગેસની અસર થતા બન્ને અંદર બેભાન થઈ ગયા હતા ત્યારે બન્નેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાની જાણ થતાં સીએફો અને ડેપ્યુટી ઘટના સ્થળે દોડી ગયા હતા. પરિવારજનો પણ હોસ્પીટલે પહોંચ્યા હતા ત્યારે આ બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઈ છે.