રાત્રીના ઇન્ડસ્ટ્રીઝના માલિકના ઘર સામે પણ ધરણા કરી રહેલા ત્રણ કર્મચારીઓએ ઝેરી દવા ગટગટાવી
યુનિટ -૧ના કર્મચારીઓના પગાર અને પીએફ મુદ્દે ભૂખ હડતાળ બાદ આપઘાતનો પ્રયાસ કરતા ખડભડાટ
રાજકોટમાં આજી જીઆઇડીસીમાં આવેલા અમુલ ઇન્ડસ્ટ્રીઝ કારખાનાના યુનિટ -૧ના આશરે ૪૫૦ જેટલા કામદારો છેલ્લા ત્રણ માસથી પગાર અને પીએફના પ્રશ્ને ભૂખ હડતાળ પર છે. પરંતુ ગઇ કાલે મામલો બિચકયો હતો જ્યારે આ કામદારો દેખાવો સાથે કલેકટર કચેરીએ પહોંચી ગયા હતા અને જેમાં બે કામદારોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ સાંજના સમયે આ કર્મચારીઓ કારખાનાના માલિકના ઘર સિલ્વર હાઈટ્સ સામે પહોંચી દેખાવો કરી રહ્યા હતા. ત્યારે ત્યાં પણ ત્રણ કર્મચારીઓએ આપઘાતનો પ્રયાસ કરતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે અમૂલ ઇન્ડ્રસ્ટ્રીઝના કામદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, તેમણે પીએફ સહિતની કેટલી માગોને લઈ અમૂલ ઇન્ડ્રસ્ટ્રીઝ વિરોધ બેનરો સાથે સૂત્રોચાર કર્યા હતાં. કામદારોને વેતન સહિતના લાભો ન ચૂકવાતા વિરોધ કરાયો હતો. જો કે, અગાઉ પણ આજી જીઆઇડીસીમાં અમૂલ ઇન્ડ્રસ્ટ્રીઝ ખાતે કામદારોએ વિરોધ કર્યો હતો. ‘અમારો પગાર આપો’, ‘અમારો પીએફ આપો’ના બેનરો સાથે મોટી સંખ્યામાં કામદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
જેમાં ગઇ કાલે સાંજના સમયે અમુલ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ -૧ના કર્મચારીઓ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં આજી વસાહત પાસે આંબેડકરનગરમાં રહેતા ગીરધરભાઇ પુંજાભાઈ સોલંકી (ઉ.વ.૪૦) અને કોઠારીયા ગામમાં રહેતા રમેશભાઇ રાજાભાઈ બકુતરા (ઉ.વ.૪૭) ઝેરી દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે બંને કર્મીઓને દબોચી લીધા હતા.
જ્યાંથી મામલો થાળે પડતાં આ કર્મચારીઓનો સંઘ અમુલ ઇન્ડસ્ટ્રીઝના એમ.ડી.ના ઘર સિલ્વર હાઇટ્સ સામે ધરણાં કરવા પહોંચ્યા હતા. જ્યાં દેખાવો કરતા કારખાનાના કર્મી કોઠારીયા રોડ પર ગણેશનગરમાં રહેતા ગોવિંદભાઈ કાનાભાઈ કદાવલા (ઉ.વ.૩૮), આજી વસાહતમાં ખોડિયારનગરમાં રહેતા અશોકભાઈ મુળુભાઇ ચાવડા (ઉ.વ.૩૨) અને સર્વોદય સોસાયટીમાં રહેતા જગદીશભાઈ શામજીભાઈ ઝાલા (ઉ.વ.૩૭) ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ત્રણેય કારીગરોને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમુલ ઇન્ડસ્ટ્રીઝનો શું છે સમગ્ર મામલો??
અમૂલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ના કર્મચારીઓના લીડરે જણાવ્યું હતું કે, “અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓને લાંબા સમયથી પગાર નથી ચૂકવ્યો તેમજ પી.એફ. પણ જમા નથી કરતા. કર્મચારીઓ ઘણાં સમયથી ધરણાં કરી રહ્યાં છે. અન્ય રાજ્યમાંથી કામ કરવાં આવનાર વ્યક્તિ પાસે તો પોતાનાં મકાન પણ નથી. દર મહિને મકાનનું ભાડું પોતાનાં પરિવારનો ખર્ચ કઈ રિતે ઉપાડવો? અમે લાંબા સમયથી પગાર ન મળવા બાબતે અનેક રજૂઆતો કરી છે. અમે અવારનવાર કંપનીના સંચાલકોને પગાર અને પી.એફ. જમાં કરાવવા અંગે રજૂઆતો કરી હતી. આ અમારી ત્રીજી ભૂખ હડતાળ છે. કંપનીના સંચાલકો દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. સરકાર અમને ન્યાય અપાવે તેવી અમારી માંગણી છે.”