રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં સિવિયર હિટવેવની આગાહી: સુરેન્દ્રનગર ૪૫.૩, રાજકોટ ૪૪.૫ ડિગ્રી તાપમાન સાથે અગનભઠ્ઠીમાં ફેરવાયા
ઉત્તર રાજસનમાંથી ફૂંકાઈ રહેલા ગરમ પવનોના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજયના અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી પાર પહોંચે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં સીવીયર હિટવેવની આગાહી આપવામાં આવી છે. રવિવારે સુરેન્દ્રનગર ૪૫.૩ ડિગ્રી સેલ્સીયસ સાથે રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. તો પાટનગર ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. રાજકોટ પણ ૪૪.૫ ડિગ્રી સેલ્સીયસ માં ફેરવાઈ ગયું હતું.
ચાલુ સાલ નૈઋત્યનું ચોમાસુ નિર્ધારીત સમય કરતા એક સપ્તાહ મોડુ બેસશે તેવી આગાહી વચ્ચે દેશભરમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે કાળઝાળ ગરમીમાં જેતપુર પંકમાં એક વ્યક્તિનું મોત પણ નિપજયું હતું. રવિવારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરનું તાપમાન ૪૫.૩ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. રાજકોટ ૪૪.૫ ડિગ્રી, ભુજ ૪૧.૪ ડિગ્રી, કંડલા એરપોર્ટ ૪૩.૮ ડિગ્રી, અમદાવાદ ૪૪.૪ ડિગ્રી, ગાંધીનગર ૪૫ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર ૪૧.૬ ડિગ્રી વડોદરા ૪૧.૫ ડિગ્રી સાથે રીતસર અગનગોળા બન્યા હતા. હાલ ઉત્તર રાજસનમાંથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યાં છે જેની અસરતળે આગામી બે દિવસ રાજયભરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે જયારે તાપમાનનો પારો ૪૧ થી ૪૩ ડિગ્રી વચ્ચે રહેતો હોય છે ત્યારે યલ્લો એલર્ટ, ૪૩ થી ૪૫ ડિગ્રી વચ્ચે હોય ત્યારે ઓરેન્જ એલર્ટ અને ૪૫ ડિગ્રીને પાર પહોંચે ત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતું હોય છે. જે રીતે રાજયમાં છેલ્લા બે દિવસથી પારો ૪૫ ડિગ્રીને પાર જઈ રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવે.
હાલ રાજયમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોય અને સીવીયર હિટવેવની સંભાવના હોય લોકોને સનસ્ટ્રોકથી બચવા શકય તેટલી માત્રામાં વધુ પાણી પીવા તથા બપોરના સમયે કામ સીવાય ઘરની બહાર ન નીકળવા પણ તાકીદ કરવામાં આવી છે.