ગીરનાર પર્વત પર તાપમાન 7.2 ડિગ્રી નોંધાયું: રાજકોટ અને નલીયા વચ્ચે તાપમાનમાં માત્ર 3.9 ડિગ્રીનો તફાવત: મોટાભાગના શહેરોમાં પારો ઉંચકાયો
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં કાતીલ ઠંડીનું જોર યથાવત રહેવા પામ્યું છે. આગામી શનિવારથી હાડ થીજાવતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. આજે પણ નલીયા 9.3 ડિગ્રી સેલ્સીયસ સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતુ. નલીયા અને રાજકોટ વચ્ચે લઘુતમ તાપમાનમાં માત્ર 3.9 ડિગ્રીનો તફાવત રહ્યો હતો. ગીરનાર પર્વત પર તાપમાનનો પારો 7.2 ડિગ્રી આસપાસ રહેવા પામ્યુંહતુ.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આજે કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન 9.3 ડિગ્રી નોંધાયું હતુ. રાજકોટમાં આજે લઘુતમ તાપમાનનો પારો ઉંચકાયો હતો.
ગઈકાલે શહેરનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું હતુ. જે આજે એક ડિગ્રીના વધારા સાથે 13 ડિગ્રીએ પહોચી જવા પામ્યું હતુ. સવારે 8.30 કલાકે તાપમાનનો પારો 14.8 ડિગ્રીએ પહોચી જવા પામ્યો હતો. પવનની સરેરાશ ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. જૂનાગઢનું તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 76 ટકા રહેવા પામ્યું હતુ.
ગીરનાર પર્વત પર તાપમાન 7.2 ડિગ્રીએ પહોચી ગયું હતુ.
આ ઉપરાંત અમદાવાદનું તાપમાન 13.3 ડિગ્રી, અમરેલીનું તાપમાન 11.6 ડિગ્રી, વડોદરાનું તાપમાન 12 ડિગ્રી, ભાવનગરમાં 14.3 ડિગ્રી, ભુજનું તાપમાન 14.2 ડિગ્રી, દમણનું તાપમાન 14.2 ડિગ્રી, ડિસાનું તાપમાન 12.2 ડિગ્રી, દિવનું તાપમાન 11.6 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 19.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 10.5 ડિગ્રી, કંડલાનું તાપમાન 14.4 ડિગ્રી, નલીયાનું તાપમાન 9.3 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 12.6 ડિગ્રી અને સુરતનું તાપમાન 14.7 ડિગ્રી રહેવા પામ્યું હતુ.
આગામી બે દિવસ ઠંડીમાં સામાન્ય રાહત જોવા મળશે ત્યારબાદ શનિવારથી ફરી હાડ થીજાવતી ઠંડીનો દૌર શરૂ થશે 31મી ડિસેમ્બરથી નવો રાઉન્ડ શરૂ થશે.
જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે પહલગામમાં તાપમાન માઇનસ 7.4 ડિગ્રી રહ્યું હતું. જે એક દિવસ અગાઉ માઇનસ 6.7 ડિગ્રી હતું. ગુલમર્ગમાં પણ બરફની ચાદર પથરાઇ ગઇ છે, જ્યાં તાપમાન માઇનસ 6 ડિગ્રી નોંધાયું હતું. તેવી જ રીતે કુપવાડામાં પણ માઇનસ 5.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજધાની શ્રીનગરમાં માઇનસ 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અન્ય રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનમાં ચુરુ અને સિકર થીજી ગયા હતા. ચુરુમાં તાપમાન 0.6 ડિગ્રી રહ્યું છે, તેવી જ રીતે સિકરના ફતેહપુરમાં તાપમાન 0.8 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠુંઠવાયા હતા.