છેલ્લા 24 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ નર્મદામાં બે ઈંચ વરસાદ: ભાવનગરના મહુવામાં પણ એક ઈંચ વરસાદથી ખેડૂતોમાં હરખની હેલી: કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણા રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યાઓ સેવાઈ રહી છે. આજે અને 17 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ફરી ભારે વરસાદની આગાહી હવામાન નિેષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. આજથી 4 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. રાજ્યમાં વરસાદ લાવે તેવી સિસ્ટમ ફરીથી સક્રિય થઇ ગઇ છે. બે દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં મેઘરાજાએ મહેર વરસાવવાની શરૂ કરી છે. હવામાન વિભાગે આગામી 19મી સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેવાની તથા કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે.
16મીના રોજ છોટાઉદેપુર અને નર્મદામાં રેડ એલર્ટ આપ્યું છે તેથી બન્ને પંથકમાં જોરદાર વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ ફરીથી મેઘરાજા ફરી પ્રસન્ન થઇ રહ્યા છે. વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 101 તાલુકમાં વરસાદ વરશ્યો છે. જેમાં નર્મદા બારડોલી, ઉમરપાડા, મહુવા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં 1 થી લઇ 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
ચાર દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, તો છોટાઉદેપુર અને નર્મદામાં અતિભારે વરસાદની આગાહી છે. તાપી, દમણ, અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરતમાં વરસાદની આગાહી છે. પાટણ, ખેડા. મહેસાણામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી હોઈ આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તેમજ આ દિવસોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા લોકોને રાહત મળી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, મધ્ય પ્રદેશ પર એક વેલ માર્ક લો પ્રેશર એરિયા સક્રિય છે. જેના કારણે રાજ્યના અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે. આવતીકાલ એટલે શનિવારની આગાહી અંગે જણાવ્યુ કે, છોટાઉદેપુર અને નર્મદામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. આવતીકાલે 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જેમા સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરાનગર અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે પંચમહાલ, દાહોદ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
16 સપ્ટેમ્બર: છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દાહોદ, પંચમહાલ, વડોદરા ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે.
17 સપ્ટેમ્બર: નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ તેમજ ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા ભારે વરસાદની આગાહી કરી છે.
18 સપ્ટેમ્બર: કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે અને 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ થશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત સુરત, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.