એરપોર્ટ ઓથોરિટી, ડીજીસીઆઈ અને વહીવટી તંત્રના અધિકારીઓના એરપોર્ટ ઉપર ધામા

એપ્રિલ સુધીમાં જ એરપોર્ટ ચાલુ કરવા પ્રયત્નો, ટ્રાયલ સફળ રહ્યા બાદ ડીજીસીઆઈનું ક્લિયરન્સ મળશે, ત્યારબાદ ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરી દેવાશે

રાજકોટની ભાગોળે આવેલ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજથી બે દિવસ ફ્લાઇટ ટેસ્ટિંગ શરૂ થયું છે. જેને પગલે એરપોર્ટ ઓથોરિટી, ડીજીસીઆઈ અને વહીવટી તંત્રના અધિકારીઓએ એરપોર્ટ ઉપર ધામા નાખ્યા છે.

આજથી હીરાસર એરપોર્ટ ખાતે ફ્લાઈટ કેલિબ્રેશનની કામગીરી શરૂ થઈ છે. જેમાં રાજકોટ એરપોર્ટ ખાતે ટ્રાયલ લેન્ડિંગના ભાગરૂપે રાજકોટ એરપોર્ટથી ફ્લાઈટ ટેક ઓફ કરી હતી અને હીરાસર એરપોર્ટ ખાતે ફ્લાઈટનું લેન્ડિંગ થયું હતું

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના જણાવ્યા અનુસાર હીરાસર એરપોર્ટ ખાતે ફ્લાઇટ કેલિબ્રેશનની કામગીરી સમગ્ર બે દિવસ દરમિયાન ચાલનાર છે. આ ટેસ્ટિંગ સફળ રહ્યા બાદ ડીજીસીઆઈના ક્લિયરન્સનો રસ્તો ખુલશે.  અગાઉ દિલ્હીથી ખાસ કેલિબ્રેશન ફ્લાઈટ રાજકોટ પહોંચી હતી અને કે 2 તથા 3 માર્ચે ટ્રાયલ લેન્ડિંગ થવાનું હતું. જો કે પવન અને ધૂળની ડમરીના કારણે આ ટેસ્ટિંગ મોકૂફ રાખવામાં આવ્યું હતું.

બીજી તરફ હિરાસર એરપોર્ટમાં હાલ રન વેનું કામ પૂર્ણ થયું છે અને નવું ટર્મિનલ ન બને ત્યાં સુધી ટેમ્પરરી ટર્મિનલ વાપરવામાં આવશે તે પણ કામ અંતિમ તબક્કામાં છે. આ કારણે એપ્રિલ સુધીમાં જ એરપોર્ટ ચાલુ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ માટે ટ્રાયલ લેન્ડિંગ મહત્ત્વનો તબક્કો છે. હાલ રન વે પર જે કેટ લાઈટ નખાઈ છે તે યોગ્ય રીતે કામ કરે છે. કે નહિ તેમજ વિસ્તારમાં હજુ પણ ઘણી પવનચક્કીઓ અને હાઈ વોલ્ટેજ લાઈન નડતરરૂપ છે કે નહિ તે ચકાસાશે. લેન્ડિંગ કરાવ્યા બાદ રન વે પરથી ફ્લાઈટ ટેકઓફ કરાવીને રન વેના છેડે નદી ઉપર બનાવેલું બોક્સ કલ્વર્ટ કેવું કાર્યક્ષમ છે તે સહિતની બાબતોની ચકાસણી કરવા એરપોર્ટ ઓથોરિટી, ડીજીસીઆઈ અને વહીવટી તંત્રના અધિકારીઓએ હિરાસર ધામા નાખ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.