રાજકોટનું લઘુતમ તાપમાન ૧૫.૧ ડિગ્રીએ પહોંચ્યો બે દિવસ સુધી હજી પારો નીચે પટકાશે તેવી શકયતા
જમ્મુ-કાશ્મીરમાં થયેલી બરફ વર્ષાના કારણે રાજયભરમાં છેલ્લા ત્રણ દિવસ તીવ્ર ઠંડીનું મોજૂ ફરી વળ્યું છે. સતત બરફ વર્ષા ચાલુ હોવાના કારણે આગામી ૪૮ કલાક અર્થાત બે દિવસ સુધી રાજયમાં ઠંડીનું જોર વધશે તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. રાજકોટનું લઘુતમ તાપમાન આજે ૧૫.૧ ડિગ્રી પહોંચી જતા શહેરીજનો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર જમ્મુ-કાશ્મીરમાં થયેલી બરફ વર્ષા અને ઉત્તરીય પવનો ફૂંંકાવાનું શ‚ થતા રાજકોટ સહિત રાજયભરમાં ઠંડીનું તીવ્ર મોજૂ ફરી વળ્યું છે. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૫.૧ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા પવનની સરેરાશ ઝડપ ૯ કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. બે દિવસમાં તાપમાનનો પારો ૧૪ ડિગ્રીથી નીચો પટકાય તેવી શકયતા જણાય રહી છે.
છેલ્લા ચાર દિવસમાં પારો સાત ડિગ્રી સુધી પટકાતા ઠંડીનું જોર અચાનક વધી ગયું છે. લોકોએ ગરમ વસ્ત્રો ધારણ કરવા પડે તેવી સ્થિતિ સર્જાય છે. આજે સવારે મોર્નીંગ વોકમાં નિકળેલા અને શાળા કોલેજોએ જતા લોકો ગરમ વસ્ત્રોમાં વિટોળાયેલા જોવા મળ્યા હતા.