- રાજ્યભરમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા લઘુતમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા ચાર દિવસમાં 3થી 4 ડિગ્રી સુધી વધારો થયો
Gujarat News : રાજ્યભરમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા લઘુતમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા ચાર દિવસમાં 3થી 4 ડિગ્રી સુધી વધારો થયો છે. તેની સાથે જ આગામી બે દિવસ સુધી શહેરના લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. પરંતુ પવનની દિશા પણ બદલાવાની શક્યતાને પગલે લઘુતમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ તેમજ મહત્તમ તાપમાન 33થી 34 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જો કે બે દિવસ બાદ રાજ્યમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની શક્યતા છે. જેના પગલે મહત્તમ તેમજ લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. ઉત્તરના ઠંડા પવન શરૂ થવાની સાથે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનને પગલે 2 દિવસ બાદ ફરી હળવી ઠંડી પડી શકે છે.
આજે રાજકોટનું મહત્તમ તાપમાન 21.4 જયારે લઘુતમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું હતું તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 42 ટકા રહેવા પામ્યું હતું. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હાલ સવારે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે સવારે ઉપરાંત રાતે પણ ઠંડકનો અનુભવ થાય છે. જ્યારે બપોરના સમયે થોડા પવન સાથે ગરમીનો અનુભવ થાય છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્રારા અપાયેલી આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ વાતાવરણ ડ્રાય રહેશે.ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ ડ્રાય રહેશે. બે દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય.પરંતુ બે દિવસ પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જઇ શકે છે.કોસ્ટ પર ઉત્તર-ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે. જ્યાં પવનની ગતિ 15થી 20 પ્રતિકલાક રહેવાની શક્યતા છે.
કોસ્ટ ઉપરાંતના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ પવનની દિશા ઉત્તર ઉત્તર પૂર્વની રહેશે.બે દિવસ બાદ વાતાવરણમાંથી ભેજનો ઘટાડો થશે અને હવા પણ શુષ્ક રહેવાની શક્યતા છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઓછું રહેવાની શક્યતા છે.હાલ પ્રેશર ગ્રેડિયન્ટ બનેલું છે તેના કારણે સવારે પવન ફૂંકાઇ રહ્યો છે. આવતી કાલે પણ સવારે થોડો પવન જોવા મળી શકે છે.